Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

૧૦મીથી બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ સંવાદ કરાશે

સુબ્રમણ્યમ્ સ્વામી મુખ્ય વકતા તરીકે હાજરી આપશેઃ મહાત્મા મંદિર ખાતે યોજાનાર બે દિવસીય પરિસંવાદમાં બિઝનેસ જગતના ૨૦૦૦થી વધુ સભ્યો એક મંચ ઉપર

અમદાવાદ,તા. ૫: વિશ્વમાં સૌથી વધુ ચેપ્ટર્સ અને સભ્યો ધરાવતા બીએનઆઇ(બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ)ના બે દિવસીય પરિસંવાદનું તા.૧૦ અને ૧૧ માર્ચ દરમ્યાન ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રી, કાયદાવિદ્ અને ભાજપના રાષ્ટ્રીય નેતા સુબ્રમણ્યમ્ સ્વામી મુખ્ય વકતા તરીકે ખાસ ઉપસ્થિત રહેનાર છે. બીએનઆઇના પરિસંવાદ-૨૦૧૮ની આ ૪થી આવૃતિમાં બે દિવસના મેળાવડા દરમ્યાન બિઝનેસ જગતના ૨૦૦૦થી વધુ સભ્યો એક પ્લેટફોર્મ પર આવશે. બે દિવસીય બીએનઆઇ પરિસંવાદમાં બિઝનેસ જગતના માંધાતાઓ અને તજજ્ઞો કારોબાર, વેપાર અને તકો સંબંધી વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરશે. પરિસંવાદના બીજા દિવસે વાયએમસીએ કલબમાં ભવ્ય એવોર્ડ સમારંભ યોજાશે, જેમાં વિજેતાઓનું સન્માન કરી બહુમાન કરવામાં આવશે. બીએનઆઇના એકઝીકયુટીવ ડાયરેકટર યશ વસંત અને નીતિશ અગ્રવાલ દ્વારા માત્ર ચારેક વર્ષ પહેલાં અમદાવાદમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીએનઆઇ અમદાવાદના પ્રત્યેક સભ્યો પ્રતિષ્ઠિત કારોબાર અને બિઝનેસ ધરાવે છે. તેમની કંપનીનું મૂલ્ય આજે રૃ.પાંચ કરોડથી રૃ.૧૫૦૦ કરોડ સુધીનું છે. આજે બીએનઆઇ અમદાવાદ વિશ્વના પ્રથમ ક્રમના નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકેની ઓળખ ધરાવે છે. બીએનઆઇ પરિસંવાદ એ એક વાર્ષિક પરિસંવાદ-સમારોહ છે, જેમાં બીએનઆઇ અમદાવાદના એક હજારથી વધુ સભ્યો અને કારોબારી અગ્રણીઓ ભેગા મળી બિઝનેસ અને તકો સંબંધી ચર્ચા વિચારણા હાથ ધરે છે. આ વર્ષના બીએનઆઇ પરિસંવાદની મહત્વની વાત એ છે કે, આ વખતની ૪થી આવૃત્તિમાં સુરત અને વડોદરાના બીએનઆઇ સભ્યો પણ ભાગ લઇ રહ્યા છે, તેના કારણે આ વર્ષે એક જ મંચ પર બે હજારથી વધુ સભ્યો એકત્ર થાય તેવી શકયતા છે. બીએનઆઇના એકઝીકયુટીવ ડાયરેકટર યશ વસંત અને નીતિશ અગ્રવાલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બીએનઆઇ પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રોના બિઝનેસમેન અને પ્રોફેશનલ્સને કાર્યક્રમમાં ભાગ લઇ વન ટુ વન નેટવર્કિંગ યોજવાની તક પણ પ્રાપ્ત થાય છે. ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની કારોબારી ક્ષમતાઓને સાબિત કરનારા ગુજરાતી બિઝનેસમેન ભેગા મળીને વૃધ્ધિ, વિકાસ અને પ્રગતિ સાધવાની બાબતને સારી રીતે સમજે છે અને તેના માટે બીએનઆઇ પોતાના પ્રકારની સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે. આ પ્લેટફોર્મ પર વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા બિઝનેસમેન નેટવર્કિંગ અને રિલેશનશીપ બિલ્ડીંગની તક મેળવે છે અને કારોબારીને વિસ્તારવાની વિશાળ સંભાવનાઓને સાંપડે છે. ઘણીવાર કારોબારી કે બિઝનેસમેન પાસે ક્ષમતા અને પ્રતિભા બંને હોય છે પરંતુ તેઓને યોગ્ય તક અને પ્લેટફોર્મ મળતુ નથી, તેના કારણે તેઓ તેમના બિઝનેસને વિસ્તારી શકતા નથી કે ફેલાવી શકતા નથી. આ સંજોગોમાં આવા લોકોને ઉમદા પ્લેટફોર્મ અને સુંદર તક પૂરી પાડવાના આશયથી આ બીએનઆઇ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને કાયદાવિદ્ સુબ્રમણ્યમ સ્વામી મુખ્યવકતા તરીકે ખાસ હાજર રહેશે અને બિઝનેસ જગતને તેમના વિશાળ જ્ઞાન અને અનુભવનો લાભ આપશે.

(9:19 am IST)