Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમદાવાદના અમરાઈવાડીમાં ફેકટરીના માલિકની હત્યા બદલ રિતેશ તિવારીને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ

મશીનમાં હાથ આવી જતા ડાબા હાથનો પંજો કપાવવો પડતા વળતર માંગ્યું હતું જેનો ઇન્કાર કરતા રિતેશે ચપ્પુ મારી દીધું તું

અમદાવાદના અમરાઈવાડી મહાકાળી એસ્ટેટમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના ગુન્હામાં રિતેશ તિવારીને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ છે ફેકટરીના મલિક ગોવિંદ ઉર્ફે રાજુ દુબેને ત્રણ વર્ષ પહેલાં છરી ઝીંકીને હત્યા કરવા બદલ  એડિશનલ સેશન્સ જજ સૂચિત ડી.દવેએ આ સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યંુ હતું કે, આરોપી સામે સાપરાધ હેઠળનો ગુનો પુરવાર થાય છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી જરૃરી છે.

 આ અંગેની વિગત મુજબ શિવમ સ્કૂલની બાજુમાં મહાકાળી એસ્ટેટ શેડ નંબર- ૩ ગાયત્રી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આરોપી રિતેશ તિવારી નોકરી કરતો હતો. ગત તા.૩-૬-૨૦૧૩માં મશીનમાં રિતેશ તિવારીનો હાથ આવતા ડાબા હાથનો પંજો કપાવવો પડયો હતો.જેના લીધે તે કામ નહીં કરી શકતો નહોતો. પછી ૨૭-૫-૨૦૧૫ના રોજ રિતેશ તિવારી બપોરના કારખાને જઈને ગોવિંદભાઈ દુબેને મળીને હાથનો પંજો કપાઈ ગયો હોવાથી વળતર આપવા કહ્યું હતું તે વખતે ગોવિંદભાઈ દુબેએ નાણાં આપવાનો ઈનકાર કરીને કોર્ટમાંથી લઈ લેવા જણાવ્યું હતું.

આ વખતે રિતેશ એકદમ ઉશ્કેરાઈને બૂટ કાઢીને મોજામાંથી ધારદાર ચપ્પુ કાઢીને માલિક ગોવિંદના ઘુસાડી દેતા પાસળીઓ બહાર આવી હતી. ગંભીર રીતે ઘાયલ ગોવિંદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.જયા ત્રણ દિવસ બાદ મોત નિપજ્યું હતું.
    આ ઘટના અંગે પોલીસે રિતેશ તિવારીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટ્ટણીએ ૧૬ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યંુ હતું કે, ગંભીર ગુનો છે. આવા ગુનો પુરવાર થાય ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ.

(9:31 am IST)