Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અમદાવાદ :ઍરલાઈન કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી વેપારી સાથે 13.70 લાખની છેતરપિંડી: એક ઝડપાયો

છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ આરોપીમાંથી એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી: ફરાર મુખ્ય આરોપી ખાલીદ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર હોવાની ઓળખ આપી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા

અમદાવાદમાં ઍરલાઇન્સમાં પાણી અને કપડાં પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ આરોપીમાંથી એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે,  બે ભાઈઓએ પોતાને ઓર્ડર મળ્યો હોવાનું કહી અડધા-અડધા નાણા ભરી કામ કરવાની લાલચ આપી હતી. જ્યારે ફરાર મુખ્ય આરોપી ખાલીદ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર હોવાની ઓળખ આપી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા

પકડાયેલો આરોપી ધવલ હરસુરા છે. જેમણે તેના ભાઈ કૃણાલ હરસુરા અને ખાલીદ મલેક સાથે મળી નવરંગપુરાના કાપડના વેપારી નિખિલ દેસાઈ સાથે 13.70 લાખની ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીઓએ વેપારીને એરપોર્ટ પર એરલાઈન્સમાં પાણી તથા કપડાંનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી ઠગાઈ આચરી હતી. રેડિમેડ કપડાનો વેપાર કરતા અરવિંદ દેસાઈએ ફેબ્રિકેશનનો વેપાર કરતા ધવલ અને તેના ભાઈ કૃણાલ હરસુરાના સંપર્કમાં આવ્યા હતા.

 

બંનેએ ખાલીદ મલેક કે જે એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવી નિખિલભાઈનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં બે સગા ભાઇઓએ પોતાને સમય નથી અને તેઓને એરલાઈનમાં કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહી સાથે મળીને કામ કરવાની લાલચ આપી વેપારી પાસે છ લાખ ભરાવ્યા હતા.

ભોગ બનનાર વેપારી નિખિલએ પાણીની ડિપોઝિટ પેટે 6 લાખ ટ્રાન્સફર કર્યા એ સમયે ધવલ અને ખાલીદે વધુ 4 લાખ ચૂકવવા કહ્યું હતું. ત્યાર બાદ કપડાંના કોન્ટ્રાક્ટની ડિપોઝિટ પેટે પણ લાખો રૂપિયા ધવલ-ખાલીદે લીધા હતા. આમ નિખિલભાઇએ કુલ 13.70 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ નિખિલભાઇએ સ્પાઇસ જેટમાં રૂપિયા જમા કરાવ્યા અંગેનું બેંક સ્ટેટમેન્ટ માગતા બંને આરોપીએ આપ્યું ન હતું અને સ્પાઇસ જેટનો ઓર્ડર પણ ખોટો મોકલ્યો હતો.

જોકે ફરિયાદ નોંધાયા બાદ નવરંગપુરા પોલીસે વસ્ત્રાલથી ઠગ આરોપી ધવલની ધરપકડ કરી પૂછપરછ કરતા તેના બેંક એકાઉન્ટ માં 6 લાખનો ચેક જમા થયો હતો તેવી રીતે તેના ભાઈ કુણાલના બેંક ખાતામાં 6 લાખનો ચેક જમા થયો હતો. પરતું ઠગાઇ કરનાર 3 આરોપી પૈકી માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી બિહારનો ખાલીદ મલેક છે. જેને પોતાની ઓળખ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે આપી ઠગાઇનું કાવતરું ઘડ્યું હતું.

(12:05 am IST)