Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સરકારે બેંકોનો દુરુપયોગ કરી SBI, LIC સહિતના અદાણી ગ્રુપમાં રોકી લોકોના નાણાં જોખમમાં મુક્યા

ભરૂચ સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયત સામે SBI બેંકની બહાર કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા ઉપર ઉતર્યા

ભરૂચ સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયત સામે આવેલી SBI બેંકની બહાર જ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા ઉપર ઉતર્યા હતા. ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર કોંગ્રેસે ભારે સુત્રોચ્ચારો સાથે સરકાર અને ઉધોગપતિની હાય હાય બોલાવી દેખાવો કરતા જોત જોતામાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેમાં 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. જેથી એ ડિવિઝન પોલીસના કાફલાએ દેખાવો કરી રહેલા કોંગ્રેસીઓને પકડી પોલીસ વાનમાં ચઢાવવા જતા ખેંચતાણ અને ટીંગા ટોળીના દ્રશ્યો સર્જાયા હતા. અને કોંગ્રેસી કાર્યકરોએ અટક કરવી હોય તો અદાણીની કરવા સુત્રોચ્ચારો ઉચાર્યા હતા. પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ, સલીમ અમદાવાદી, અરવિંદ દોરાવાલા, જયકાંત પટેલ સહિત 14 ની અટકાયત કરી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારે બેંકોનો દુરુપયોગ કરી SBI, LIC સહિતના અદાણી ગ્રુપમાં રોકી લોકોના નાણાં જોખમમાં મુક્યા છે. હિંડનબર્ગના અહેવાલ મુજબ સંસદમાં જે ચર્ચા થવી જોઈતી હતી. તે નથી કરાઈ. નિષ્પક્ષ રીતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરી અદાણી પ્રકરણમાં તપાસનો રીપોર્ટ સંસદમાં રજૂ કરવા કોંગ્રેસે માંગણી કરી છે.

 

(9:39 pm IST)