Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા દૂર ન થતા લોકોના સ્વાસ્થયને જોખમ

સુરત: સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ડભોલી મેન રોડ પર બનાવવામાં આવેલી ગટર લોકો માટે  આફતરૂપ બની ગઈ છે. સમય એમ કરે આ ગટરનું પાણી જાહેર રોડ પર વહી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા હોવા છતાં બાલિકા તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકાની ગંભીર બેદરકારીના કારણે જાહેરમાં ગંદકી થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારા સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. જાહેરમાં ગંદકી કરનારા લોકોને સીસીટીવીની મદદથી પકડી દંડ ફટકારી રહી છે. શહેરના અનેક રસ્તા પર સીસીટીવીની મદદથી ગંદકી કરનારાને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સુરત મહાનગર પાલિકાએ બનાવેલી જ જાહેરમાં ભારે ગંદકી કરી રહી છે. ડભોલી મેઇન રોડ પર એક ધાર્મિક સ્થળ નજીક દુકાનોની વચ્ચે ફૂટપટ પર રોડથી ચાર ફૂટ ઊંચું ડ્રેનેજનું ચેમ્બર છે. છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજના ચેમ્બરમાંથી ગંડુ પાણી જાહેર રોડ પર ઉભરાઈને આવી રહ્યું છે. અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ આ ગટર ઉભરાતી હોવાથી જાહેર રોડ પર ભારે ગંદકી થઈ રહી છે. પાલિકાનો વેરો ભરતા દુકાનદારોની દુકાન બહાર જ ગંધાતું પાણી વહી રહ્યું છે જેના કારણે દુકાનદારો મુલાકાતીઓ અને વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે. કેટલીક વાર  ડ્રેનેજમાં ભારે પ્રેશર ની કારણે ગંદા પાણીના ફુવારા ઉંચે સુધી ઉડે છે. સ્થાનિકો દ્વારા ઘણા સમયથી આ સમસ્યા અંગે પાલિકા તંત્રને ફરિયાદ કરવામાં આવી રહી છે પરંતુ આ ફરિયાદનું નિરાકરણ થતું ન હોવાથી જાહેરમાં ગંદકી વધી રહી છે અને લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને ગંદકી કરવા બદલ દંડ ફટકારતી સુરત મહાનગરપાલિકા દ્વારા જ જાહેરમાં ગંદકી થઈ રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય છે.

(6:46 pm IST)