Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સુરતના સુમુલ ડેરી રોડ નજીક બે બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરોએ 1.80 લાખની મતાની ચોરી કરતા ગુનો દાખલ

સુરત: સુરતના સુમુલ ડેરી રોડ સ્થિર અંજની પેલેસ એપાર્ટમેન્ટના બે બંધ ફ્લેટને તસ્કરોએ રવિવારે મળસ્કે માત્ર સાડા ત્રણ કલાકમાં નિશાન બનાવી તાળું અને નકુચા તોડી ચોરી કરી હતી. તે પૈકી લુમ્સના કારખાનેદારના ફ્લેટમાંથી રોકડ અને સોનાચાંદીના દાગીના મળી રૂ.1.80 લાખથી વધુની ચોરી કરી હતી. જયારે અન્ય ફ્લેટ ધારક મુંબઈ ગયા હોય પરત ફર્યા બાદ કેટલી મત્તાની ચોરી થઈ તે જાણ થશે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વડોદરાના સિનોરના વતની અને સુરતમાં સુમુલ ડેરી રોડ અંજની પેલેસ ફ્લેટ નં.104 માં રહેતા 53 વર્ષીય લુમ્સના કારખાનેદાર વિપુલભાઇ ભાઇલાલ પટેલ ગત ત્રીજીના રોજ પત્ની શર્મીલાબેન સાથે આણંદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ગત સવારે તેમના પડોશી ચિરાગભાઈએ ફોન કરી જાણ કરી હતી કે એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટોમાં ચોરી થઈ છે અને તમારો ફ્લેટ પણ છે. આથી વિપુલભાઈ પત્ની સાથે સુરત દોડી આવ્યા હતા અને જોયું તો તેમના ફ્લેટના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલો હતો તેમજ બેડરૂમમાં પલંગ પર સામાન અને કબાટનો સામાન વેરવિખેર હતો.તપાસ કરતા તેમના ફ્લેટમાંથી રૂ.1.20 લાખના સોનાના દાગીના અને રોકડા રૂ.60 હજાર મળી કુલ રૂ.1.80 લાખની મત્તાની ચોરી થઈ હતી. તસ્કરોએ વિપુલભાઈના ફ્લેટ ઉપરાંત ત્રીજા માળે ફ્લેટ નં.307,308 માં રહેતા બદ્રીનારાયણ રોયના ફ્લેટમાં લોખંડની ગ્રીલને મારેલું તાળુ અને ગ્રીલના નકુચા તોડી ચોરી કરી હતી. જોકે, તે મુંબઈ ગયા હોય તેમના ફ્લેટમાંથી કેટલી મત્તાની ચોરી થઈ તે જાણી શકાયું નહોતું.

(6:45 pm IST)