Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સુરતના પીપલોદ સ્થિત સ્માર્ટ બજારમાં ભીષણ આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: પીપલોદ સ્થિત સ્માર્ટ બજારમાં આજે સોમવાર સવારે ડીટરજન્ટ એરિયામાં આગ ભડકી ઉઠી હતી. જેના લીધે ભારે નાશભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ખાતે સ્માર્ટ બજાર(જૂનું બીગ બજાર)માં આજે સોમવાર સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોત જોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા વેસુ મજુરાગેટ અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિતની ફાયરની ગાડી અને ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી ગયા હતા. મોલમાં ધૂમાડો નીકળી શકે એવી કોઈ વ્યવસ્થા નહીં હોવાથી ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ચઢીને દિવાલ અને કાચ તોડીને ધુમાડો બહાર કાઢ્યો હતો. જ્યારે વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હોવાથી આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડની ટીમને ખુબ મૂશ્કેલી પડી હતી. જેથી ફાયર ઓફિસર પ્રકાશ પટેલ અને ચાર જવાનોએ ઓક્સિજન માર્ક્સ પહેરીને આગ બુઝાવા અંદર પ્રવેશ્યા હતા અને જીવના જોખમે ફાયર ફાઈટિંગ શરૂ કર્યું હતું જો કે ફાયર જવાનોએ સતત ચારથી પાંચ કલાક સુધી કામગીરી કરતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે. જેમાં ડિટરજન્ટ પાવડર, શેમ્પૂ, ટુથપેસ્ટ, સાબુ, સેન્ટર એસીનું ડાર્ક, વાયરીંગ, ફર્નિચર સહિતનો ચીજવસ્તુ સામાને નુકસાન થયું હતું.  આ ઘટના સવારે બની તે સમયે મોલ બંધ હતો જેના કારણે કોઈને ઈજા કે જાનહાની થઈ નહોતી. ફાયર સેફ્ટીને લઈ સ્માર્ટ બજારને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. જ્યારે આજે બનેલી આગની ઘટનામાં ફાયર સેફટીને મુદ્દે સ્માર્ટ બજારમાં લાપરવાહી જોવા મળતા ફરી નોટિસ ફટકારવામાં આવી છે. એવું ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું.

(6:43 pm IST)