Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વડોદરાના અટલ બ્રિજના ઓપનિંગને માત્ર દોઢ માસ થયો ત્‍યાં તો ગાબડા પડયાઃ મુખ્‍યમંત્રીને ફરિયાદ કરતા નબળા કામની પોલ ખુલતા તંત્ર દ્વારા રાતોરાત પેચવર્ક કરવામાં આવ્‍યુ

વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા સમગ્ર પ્રકરણની સ્‍ટેટ વિજીલન્‍સ તપાસની માંગ કરાઇ

વડોદરાઃ વડોદરાના અટલ બ્રિજના રોડના કામમાં ભ્રષ્‍ટાચાર થતા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મુખ્‍યમંત્રીને ફરિયાદ કરી તપાસની માંગ કરાઇ છે.

ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજના રોડનો ડામર ઉખડવા લાગ્યો છે. બ્રિજનું ઓપનિંગ કરીને હજી માત્ર દોઢ માસ થયા છે, છતાં બ્રિજની આવી હાલત છે.  વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા અટલ બ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણની સ્ટેટ વિજિલન્સ પાસે તપાસની માંગ કરી છે. જો નવા બનેલા બ્રિજની આવી હાલત હશે તો મોરબી જેવી હોનારત પણ ઘટી શકે છે.

વડોદરામાં હજી દોઢ મહિના પહેલા ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના દોઢ માસમાં અટલ બ્રિજ પરનો ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો છે. જે બ્રિજ પર રોડ બનાવવાના કામમાં વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. 230 કરોડના ખર્ચે ભવ્ય અટલ બ્રિજ તૈયાર કરાયો હતો.

વડોદરા શહેરનો 3.5 કિલોમીટરનો અટલ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મુખ્યમંત્રીને વોટ્સએપ પર ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ કરવામા આવી હતી. જો ભર ઠંડીમાં હાલત છે તો ચોમાસામાં બ્રિજના રોડની કેવી હાલત થશે તેવા સવાલો સમિતિએ ઉઠાવ્યા છે. જો ઠંડીમાં બ્રિજનો ડામર નીકળવા લાગે, તો આકરી ગરમીમાં શું થાય.

સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિએ ડામરની ગુણવત્તા પણ જળવાઈ નહીં હોવાના પણ આક્ષેપ કર્યા છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપનીને પણ લાખો રૂપિયા ચૂકવ્યા છે. સમગ્ર પ્રકરણની સ્ટેટ વિજિલન્સ તપાસ અને ગેરીમાં સેમ્પલો લઈ ચકાસણી કરવા માંગ સમિતિ દ્વારા કરાઈ છે.

 

(5:40 pm IST)