Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઈડર પાસેના બોલુન્દ્રા(સોનાગરા) ગામે નૂતન નિલકંઠ મહાદેવ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે SGVP ના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પધરામણી

ઇડર પાસેનું એક અનોખું ગામ એટલે બોલુન્દ્રા(સોનાગરા). આ ગામ સુપ્રસિદ્ધ અરવલ્લી ગિરિમાળાની તળેટીમાં સુંદર નદીને કિનારે વસેલું છે. રાજસ્થાનના જોધપુરથી રાજવી પરિવારની સાથે આવેલા સોનાગરા સરદારોએ આ ગામ વસાવેલું હોવાથી આ ગામના નામ સાથે સોનગરા શબ્દ જોડાયો છે. સાબરમતી નદી ઉપર બંધાયેલા ધરોઈ ડેમના પાણીને લીધે આ વિસ્તારની હજારો હેક્ટર જમીન હરિયાળી અને ફળદ્રુપ થયેલી છે.

બોલુન્દ્રા ગામમાં આશરે પંદરસો માણસોની વસ્તી છે. દરબારો ઉપરાંત પટેલો, મુસ્લિમો તેમજ અન્ય જ્ઞાતિઓના લોકો અહીં હળીમળીને રહે છે. આ ગામમાં જ્ઞાતિ કે ધર્મના કોઈ ભેદભાવ નથી, આખું ગામ સમરસ છે. ગામના નાના-મોટા કાર્યો માટે બધા સહિયારો પુરુષાર્થ કરે છે.

આવા રળિયામણાં ગામના પાદરમાંથી વહેતી નદીને કિનારે અતિ પ્રાચીન શિવ મંદિર છે, જે બોલુન્દ્રા નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.

આ મંદિર જીર્ણ થતાં અહીં ગામમાં નૂતન શિવ મંદિરની જરૃરિયાત હતી. એ માટે આ જ ગામના વતની અને SGVP ગુરુકુલના કેમ્પસ ડાયરેક્ટર જયદેવભાઈ સોનાગરાના ઉપપ્રમુખપદે દિવ્ય દર્શન ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ ટ્રસ્ટના નેજા નીચે રાજસ્થાનના ધવલપુરી પથ્થરમાંથી સુંદર શિવ મંદિરનું નવ્ય-ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. મંદિરને ફરતી એક એકર જેટલી વિશાળ જગ્યા છે, જેને પેવર બ્લોકથી મઢી લેવામાં આવી છે, જેને લીધે મંદિર અત્યંત રળિયામણું લાગે છે. બોલુન્દ્રા જેવા નાનાકડાં ગામના પાદરમાં આવું ભવ્ય શિવ મંદિર ભાગ્યે જ બીજે ક્યાંય હશે.

આ શિવ મંદિરની એક વિશિષ્ટ વાત એ છે કે, આ ગામમાં જુદી જુદી જગ્યાએ ગ્રામદેવતાઓના નાના નાના સ્થાન હતા. આયોજકોએ સૂઝબૂઝ અને દીર્ઘદૃષ્ટિથી આ ભવ્ય શિવ મંદિરના વિશાળ પરિસરમાં સુંદર દેરીઓ

બનાવી અને બધા જ ગ્રામદેવતાઓને એક જ પરિસરમાં પધરાવ્યા, પરિણામે આ શિવ મંદિર ગામલોકો માટે એકતાના તીર્થ સમાન બન્યું.

મંદિરના નિર્માણ તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ગ્રામજનોએ તન-મન-ધનથી સેવા કરેલી છે. આનંદની વાત તો એ છે કે, આ કાર્યમાં ગામના મુસ્લિમ બિરાદરોએ પણ હૃદયથી સહકાર આપ્યો છે, પરિણામે આ ગામ ધાર્મિક સમરસતાનું અદ્ભુત ઉદાહરણ બન્યું છે.

દિવ્ય દર્શન ટ્રસ્ટના વ્યવહારની પારદર્શકતાએ લોકોના દિલમાં દૃઢ વિશ્વાસ પેદા કર્યો છે, પરિણામે અહીં દાતાને દાન દેવામાં કોઈ સંકોચ થતો નથી.

મંદિરના નિર્માણમાં લાખો રૃપિયાનું દાન કરનાર મુખ્ય દાતા અને SGVP ગુરુકુલ, છારોડીના કેમ્પસ ડાયરેક્ટર શ્રીજયદેવભાઈ સોનાગરા અને ગ્રામજનોના પ્રેમભરેલાં નિમંત્રણથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી પ્રતિષ્ઠા પ્રસંગે બોલુન્દ્રા ગામે પધાર્યા હતા. સમસ્ત ગ્રામજનોએ હૈયાના ઉમળકા સાથે સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાત્રિના સમયે બોલુન્દ્રા નીલકંઠ મહાદેવના ચરણમાંથી વહેતી નદીના બન્ને કિનારે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે પ્રગટેલા હજારો દીવડાંઓવાળી આરતીઓના ઝગમગાટથી જાણે વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી. આ સમૂહ આરતીનું દર્શન કરતાં એવું લાગતું હતું કે જાણે કાશી કે હરિદ્વારમાં ગંગાજીના કિનારે અદ્ભુત આરતી થઈ રહી છે.

આરતી પૂર્ણ થયા પછી સ્વામીશ્રી સભામાં પધાર્યા હતા. સભામાં સેંકડો ભાઈ-બહેનોની ઉપસ્થિતિ હતી.

મંદિરના મુખ્ય દાતા આદરણીયશ્રી જયદેવસિંહજી સોનાગરા તથા એમના ભાઈઓ બળદેવસિંહજી, સહદેવસિંહજી તથા ધર્મેન્દ્રસિંહજી તથા મંદિરના બીજા મુખ્ય દાતા નારણભાઈ મોહનભાઈ પટેલ તથા સમગ્ર ગામને એકસૂત્રતાથી બાંધી રાખનાર રાજવી પરિવારના સરપંચ કેસરીસિંહજી ચૌહાણ, મંદિર માટે કિંમતી પથ્થરોનું દાન કરનાર શંકરસિંહજી, નિવૃત્ત ડી.વાઈ.એસ.પી. ડી.ડી. ચૌહાણ, શ્રીમહાવીરસિંહજી, શ્રી ભોપાલસિંહજી, ડી.પી.હાઈસ્કુલના સંચાલક શ્રી હિંમતસિંહજી તથા ગામના દરબાર, પટેલ, મુસ્લિમ, વણકર, સથવારા વગેરે વિવિધ

જ્ઞાતિઓના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ પૂજન કર્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ મંગલ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, શ્રીજયદેવસિંહજી સોનાગરા તથા એમના પરિવારનું સમર્પણ જબરું છે. એમણે આ મંદિરના નિર્માણ માટે લાખો રૃપિયાનું દાન કર્યું છે, એટલું જ નહીં આ સોનાગરા સાહેબના માર્ગદર્શનથી જીય્ફઁ ગુરુકુલ, છારોડીનું નામ ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું છે. આજે જીય્ફઁ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતમાં પ્રથમ નંબરે છે અને ભારતમાં ત્રીજા નંબરે છે. સોનાગરા સાહેબ આ ગામના વતની છે. આ ગામમાં આવું ભવ્ય શિવાલય બંધાવીને એમણે માતૃભૂમિનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે.

એમના ઉપપ્રમુખપદે ચાલી રહેલા દિવ્ય દર્શન ટ્રસ્ટના નાના-મોટા સર્વ કાર્યકર્તાઓને પણ અમે અભિનંદન આપીએ છીએ.

વિશેષમાં ભગવાન શિવજીનું સ્વરૃપ મંગળમય છે. શિવજી હિમ શિખરોથી ઘેરાયેલ કૈલાસમાં વસે છે. અહીં અગવડતાઓ અને મુશ્કેલીઓનો પાર નથી, અહીં આપણે ભોગવીએ છીએ એવી કોઈ સુખ-સુવિધા નથી, છતાં શિવજીની સાથે એમનો સમગ પરિવાર અહીં સુખ અને શાંતપૂર્વક નિવાસ કરે છે. ભગવાન શિવજી આપણને શીખવે છે કે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મોજમાં રહેવું.

બીજું, શિવજીના મંગલ સાંનિધ્યમાં નંદી, સિંહ, મયૂર, ઉંદર, સર્પ વગેરે પ્રાણીઓ પરસ્પર વિરૃદ્ધ સ્વભાવના હોવા છતાં પોતપોતાના સ્વભાવો છોડીને પ્રેમથી સાથે રહે છે. આ વાત આપણને પરસ્પર સમરસતાનો સેતુ બાંધવાનું શીખવે છે.

શિવજીની જટામાંથી અવિરત ગંગધારા વહે છે, એ ગંગધારા સ્નેહ અને સમજણનું પ્રતીક છે. જ્યાં પરસ્પર સ્નેહ અને સમજણ હશે ત્યાં સમરસતાના સેતુ બંધાતા રહેશે. આ બાલુન્દ્રા ગામમાં આવી જ સમરસતા જોઈને અમારા અંતરમાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.

આ પ્રસંગે આદરણીયશ્રી જયદેવસિંહજી સોનાગરાએ સ્વામીશ્રી તેમજ ગુરુકુલનો પરિચય આપ્યો હતો.

વિશેષમાં આ મંદિરના નિર્માણના મોટા મોટા દાતાઓને બદલે મંદિરના નિર્માણ તેમજ મહોત્સવમાં સેવા આપનાર નાના નાના સેવકોનું સ્વામીશ્રીના હાથે બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગ્રામજનોએ ઉત્સાહથી સેવા આપીને આ પ્રસંગને શોભાવ્યો હતો. ગામના મુસ્લિમ બિરાદરોએ ગામની સુરક્ષાની જવાબદારી ઉપાડી લીધી હતી.

એકંદરે આ પ્રસંગ સમરસતાનો મહા મહોત્સવ બની રહ્યો હતો. સ્વામીશ્રીના સંતમંડળ સાથે આગમનથી સોનામાં

સુગંધ ભળી હતી.

 

(5:12 pm IST)