Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગુજરાતના દર્શન માટે સ્‍પેશ્‍યલ ટ્રેન ‘ગરવી ગુજરાત'

વિભીન્‍ન કેટેગરી અનુસાર ટીકીટના દર ૫૨૦૦૦ થી ૭૭૦૦૦ રૂપિયા : સ્‍પેશ્‍યલ ટ્રેનનું મુખ્‍ય આકર્ષણ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને અન્‍ય ધાર્મિક સ્‍થળો

અમદાવાદ તા. ૬ : રેલવેએ જાહેરાત કરી છે કે તે ગરવી ગુજરાત' નામથી એક ખાસ પ્રવાસ માટે ભારત ગૌરવ ડીલક્ષ એસી ટુરીસ્‍ટ ટ્રેન ચલાવશે જે રાજ્‍યના સાંસ્‍કૃતિક અને આધ્‍યાત્‍મિક વારસાના દર્શન કરાવશે.

આઇઆરસીટીસી દ્વારા ચાલનારી આ ટ્રેન દિલ્‍હીથી પોતાનો ૮ દિવસનો પ્રવાસ શરૂ કરીને ૩૫૦૦ કીલોમીટર ચાલશે. આ પ્રવાસમાં ૧૫૬ પ્રવાસીઓની જગ્‍યા હશે અને તે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, અમદાવાદ, મોઢેરા અને પાટણની મુલાકાત લેશે.

તે દિલ્‍હીના સફદરજંગ રેલવે સ્‍ટેશનથી ૨૮ ફેબ્રુઆરીએ રવાના થશે અને પેસેન્‍જરો આ પ્રવાસમાં ગુડગાંવ, રેવાડી, રીંગાસ, ફુલેરા અને અજમેર જંકશનથી જોડાઇ શકશે. ભારત ગૌરવ ટુરીસ્‍ટ ટ્રેન કેન્‍દ્ર સરકારની દેખો અપના દેશ' પહેલ હેઠળ ધરેલ પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા ચલાવાય છે.  આ ટ્રેનમાં બે સરસ રેસ્‍ટોરન્‍ટ, એક આધુનિક રસોડું, શોવર કયુબીકલ્‍સ, સેન્‍સર આધારિત વોશરૂમ, ફુટ મસાજર અને અન્‍ય સુવિધાઓ હશે. પેસેન્‍જરો ફર્સ્‍ટ એસી અથવા સેકન્‍ડ એસીની સીટ બુક કરાવી શકશે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને સીક્‍યોરીટી ગાર્ડ રહેશે.

ટીકીટના દર સેકન્‍ડ એસીમાં પ્રતિ વ્‍યકિત ૫૨૨૫૦, ફર્સ્‍ટ એસી (કેબીન)માં ૬૭૧૪૦ અને ફર્સ્‍ટ એસી (કૂપે)માં ૭૭૪૦૦ રૂપિયા રહેશે. આ દરમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રાત્રી રોકાણ, ભોજન (ફકત શાકાહારી), હેરફેર, બસમાં સાઇટ સીઇંગ, ટ્રાવેલ ઇન્‍સ્‍યોરન્‍સ અને ગાઇડની સેવાઓ સામેલ છે.

 

(12:10 pm IST)