Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અમદાવાદમાં પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ દાખલ કરનાર ગઠિયાની ધરપકડ

યુવકે NIAના અધિકારીની ખોટી ઓળખ પણ આપી હતી :આરોપી અમદાવાદ ફરવા આવ્યો હતો અને પૈસા ન હોવાથી ખોટી ફરિયાદ કરી પોલીસ પાસેથી મદદના નામે પૈસા મેળવવા કાવતરૂ રચ્યું

અમદાવાદ : પોલીસને ગેરમાર્ગે દોરી લૂંટની ફરિયાદ દાખલ કરનાર ગઠિયાની ધરપકડ કરી છે. મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દિલ્લીમાં રહેતો સુધીર કુમાર નામના યુવકે પોલીસને ગેરમાર્ગે દોરી હતી. યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જઈને પોતે એરપોર્ટ પર ઉતર્યા બાદ ટેક્સીમાં લૂંટાયો હોવાની ખોટી વિગતો આપી હતી. બાદમાં પોલીસે તપાસ કરતા સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા મળ્યા ન હતા.

યુવકે NIAના અધિકારીની ખોટી ઓળખ પણ આપી હતી. પરંતુ પોલીસ તપાસમાં ગઠિયાનો ભાંડો ફુટી ગયો હતો અને સામે આવ્યું હતું કે, આરોપી અમદાવાદ ફરવા માટે આવ્યો હતો અને પૈસા ન હોવાથી ખોટી ફરિયાદ કરી પોલીસ પાસેથી મદદના નામે પૈસા મેળવવા કાવતરું રચ્યાની પ્રાથમિક માહિતી મળી છે.

આરોપી સુધીર બોરાડા મૂળ આંધ્રપ્રદેશનો છે અને હાલ દિલ્હીમાં રહેતો હતો. તે ગઇકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો હતો અને મારી સાથે  લૂંટ થઈ હોવાની વાત કરી હતી. સુધીરકુમાર નામના યુવકે પોલીસને એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો હતો. બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો.

  જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. જેથી પોલીસ એરપોર્ટ પર પહોંચી. જ્યાં ફ્લાઇટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા યુવક જે વાત કરતો હતો, તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી હતી. જે પછી તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યુ હોવાની કબૂલાત કરી

(11:58 pm IST)