Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજયમાં આજે 2500 ઉમેદવારી પત્રો ભરાયાં : છેલ્લાં દિવસે ઉમેદવારોની ફોર્મ ભરવા પડાપડી

સૌથી વધુ અમદાવાદમાં 800 જેટલાં ફોર્મ ભરાયા: ટોકન લઇ જનારાના ઉમેદવારી પત્રો મોડે સુધી ભરવાનું ચાલુ રહ્યું

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરની આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે.  ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ હતી. શનિવારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજયમાં 2500 ઉમેદવારી પત્રો ભરાયાં હતા. જેમાં સૈથી વધુ અમદાવાદમાં 800 જેટલાં ફોર્મ ભરાયા હતા. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય હતો. પરંતુ આ સમય સુધીમાં આવી ગયા હોય તેમને ટોકન આપી દેવામાં આવ્યા હતા. જેથી મોડી સાંજ સુધી ઉમેદવારી પત્રો ભરવાનું ચાલુ રહેવા પામ્યું હતું. જેથી ઉમેદવારી પત્રો કુલ કેટલાં લોકોએ ભર્યા તે અંગેનો ચોક્કસ આંકડો મોડીરાત્રે જાહેર થવાની સંભાવના છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.8મીના રોજ થશે. જયારે 9મી ફ્રેબુઆરીના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે

   ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકોની ચૂંટણી છે. આ ચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. તેમાંય વળી કોંગ્રેસ સહિતની કેટલાક રાજકીય પક્ષોએ છેલ્લે છેલ્લે ઉમેદવારો જાહેર કર્યા હોવાથી આજે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો ઉમટી પડયાં હતા. જેના કારણે એક સમયે ઉમેદવારી પત્રો ભરવા માટે પડાપડી સર્જાઇ હતી. ત્રણ વાગ્યા સુધી ચુંટણી કચેરીએ આવી ગયેલા ઉમેદવારોને ટોકન આપવામાં આવ્યા હતા

  આજે સાંજના છ વાગ્યા સુધીમાં રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 2500 જેટલાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં અમદાવાદમાં 800 જેટલાં, ભાવનગરમાં 396, જામનગરમાં 232, રાજકોટમાં 483, સુરતમાં 376 અને વડોદરામાં 233 જેટલાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા

   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે છેલ્લા દિવસે 800 જેટલા ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવી છે. ઉમેદવારોએ એક કરતાં વધુ ફોર્મ ભર્યા હોવાથી આંકડો વધ્યો છે. ભાજપ કોંગ્રેસ ઉપરાંત આપ અને AIMIMના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે ઉમટી પડતા 800 કરતા પણ વધુ ફોર્મ ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ અમદાવાદ કોર્પોરેશન માટે કુલ 1300 જેટલા ફોર્મ ભરાયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

  ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાની મુદત હતી જોકે ઉમેદવારો ત્રણ વાગ્યા પહેલા કલેકટર કચેરીમાં આવી ટોકન લઈ લે તો તેમને ત્રણ વાગ્યા પછી પણ ફોર્મ ભરવા દેવા પડે તેમ હોવાથી ભારે ધસારો થયો હતો. જેના કારણે ત્રણ વાગ્યા પછી પણ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રહી હતી. એક અધિકારી પાસે 3 વોર્ડના ફોર્મ સ્વીકારવાની જવાબદારી હોય છેલ્લા દિવસે જ એક અધિકારી પાસે 40 કરતાં વધુ ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા હોવાથી તેમને ટોકન આપી ફોર્મ ભરાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેના પગલે મોડી સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રહી હતી

(11:01 pm IST)