Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજપીપળા મુખ્ય ગાર્ડનમાં પાણીની મુખ્ય લાઈન જેસીબીથી તૂટી જતાં પીવાના પાણીની રામાયણ

ગાર્ડનની ટાંકી માંથી મળતું પીવાનું પાણી આજે કેટલાય વિસ્તારોમાં નહિ મળતા સ્થાનિકોના બોરમાંથી પાણી ભર્યા બાદ પાણીના ટેન્કર આવ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં નગરપાલિકા દ્વારા થતા કામો બાબતે વારંવાર રોષ જોવાઈ છે જેમાં મુખ્ય ગાર્ડનમાં જેસીબી દ્વારા કામગીરી થતી વેળા ત્યાં પાણીની મુખ્ય લાઈન જેસીબીથી તૂટી જતા લાખો લીટર પાણી ગાર્ડન અને મુખ્ય ગેટ પરથી માર્ગ ઉપર વહેતું જોવા મળ્યું હતું.
  ત્યારબાદ ગાર્ડનની ટાંકીમાંથી જે જે વિસ્તારોમાં પાલિકાનું પીવાનું પાણી પહોંચતું હતું તે મુખ્ય લાઈન તૂટતા આજે સવારે ન પહોંચતા ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો હતો જોકે અમુક ખાનગી બોર વાળા સેવાભાવી લોકોએ આખા વિસ્તારના રહીશોને બોરમાંથી પાણી ભરવા દેતા રાહત થઈ હતી ત્યારબાદ પાલિકામાંથી પાણીના ટેન્કરો પહોંચતા લોકો અકળાઈ ઉઠ્યા હતા કેમ કે બોરમાંથી પાણી ભરાઈ ગયા બાદ ટેન્કર આવ્યા તેનો શુ મતલબ..?
 જોકે ઘણાં સમયથી રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોય ઉપરાંત હાલ મુખ્ય લાઈન તૂટતા પાણીની તકલીફમાં વધારો થયો છે માટે પાલિકા તંત્ર પાણી જેવું જરૂરી બાબતે ખાસ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

(10:17 pm IST)