Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ધાબા પર રમતાં રમતાં ફાંસો લાગી જતા કિશોરનું મોત થયું

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના : પોતાના ઘરના ધાબા પર દોરડું પકડીને રમી રહેલા પાંડેસરા વિસ્તારના પ્રો-એક્ટિવ કિશોરને ફાંસો લાગી જતા મોત

સુરત,તા.૬ : સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરા વિસ્તારમાં રમત-રમતમાં કિશોરને ગળે ફાંસો લાગતા કરૂણ મોત નિપજયું હતું. મૃતક કિશોર ઘરમાં પડેલા નકામા સામાન લઈને અવનવી કરામત તેમજ કસરતો કરતો હતો. જોકે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે .જેમાં પોતાના ઘરના ધાબા પર દોરડું પકડીને રમી રહેલા પાંડેસરા વિસ્તારના પ્રો-એક્ટિવ કિશોરને ફાંસો લાગી જતા મોતને ભેટ્યો હતો. મૃતક કિશોર ઘરમાં પડેલા નકામા સામાનને લઈ નવી-નવી કરામત તેમજ જિમ્નાસ્ટિક જેવી કસરતો પણ કરતો રહેતો હતો. જેને લઈ પિતા તેની માટે જીમનો સામાન પણ લાવવાના હતા. પાંડેસરા ખાતેની આવિર્ભાવ સોસાયટીમાં રહેતો યશ વિનોદ પાટીલ ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-૬માં ભણતો હતો. ગુરુવારે બપોરે યશ જમીને માતાને ધાબા પર રમવા જવાનું કહીને ગયો હતો.

દરમિયાન, ૧૫ મિનિટ પછી ઘરે આવેલા વિનોદ પાટીલે પત્નીને ફોન કરી યશ પાસે બેંકના કાગળો મોકલવા કહ્યું હતું. જેથી તેઓ યશને ધાબા પર બોલાવવા જતા તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા માતાએ રડારોળ કરી હતી. જેની જાણ થતાં વિનોદ પાટીલ સહિતના પરિવારના સભ્યોએ યશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા યશનો પ્રાણ પંખેરુ ઊડી ગયો હતો.

પરિજનોએ પોલીસને કહ્યું હતું કે, યશ નિયમિત ઘરમાં નવી-નવી પ્રવૃત્તિ કરતો રહેતો હતો. ઘરમાં પડેલા નકામા સામાનને લઈ અલગ-અલગ કરામતો કરતો રહેતો હતો. ઘરમાં તેમજ ઘરની બહાર જીમ્નાસ્ટિક જેવી કસરતો કરતો હતો. જેને લીધે પિતા યશ માટે કસરતનો સામાન લાવવાના હતા. તેને પરિવારના સભ્યો થોડા સમય માટે પણ એકલો છોડતા નહોતો. માતા કે તેની મોટી બહેન એકતા રમતી વખતે પણ તેની સાથે રહેતી હતી. દરમિયાન, ગુરુવારે બપોરે પણ યશ ધાબા પર એકલો રમવા ગયો હતો, ત્યારે હિંચકા માટે બનાવેલા હૂકમાં દોરી નાંખી કોઈ કરતબ કરવા જતાં ફાંસો લાગી ગયો હોવાની સંભાવના પરિવારે વ્યક્ત કરી હતી.

(8:50 pm IST)