Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સુરતમાં ભાજપે ગર્ભવતી મહિલાને ટિકિટ આપી

શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો : ટિકિટ ફાળવણીમાં મહિલાઓનું ધ્યાન રાખવામાં આવ્યું

સુરત,તા.૬ : શહેરમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જોકે જેમાં મહિલાઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એક મહિલા ગર્ભવતી છે. જેને લઈને મહિલાનો ઉત્સાહ બેવડાયો છે. ૮ મહિનાના ગર્ભ સાથે ચૂંટણી જંગમાં કુદનાર રાજશ્રી મૈસૂરિયાએ કહ્યું કે, પક્ષે મારા પર ભરોસો મૂક્યો છે અને કાર્યકરો મારી સાથે કાર્યકરોએ મને અને મારા ગર્ભસ્થ બાળકને જીતાડવા માટે સંકલ્પ લીધા છે. હું પણ કાર્યકરો અને મારા પર વિશ્વાસ મૂકનાર પક્ષ પ્રમુખ પાટીલની વિચારધારા મુજબ જીતીને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશ. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બન્ને પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સુરત ખાતે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ઉમેદવારોના નામમાં એક એવી પણ મહિલાનો સમાવેશ થાય છે કે, જેઓ હાલ ગર્ભવતી છે. 

સુરતમાં ગત ૧૫ વર્ષથી ભાજપમાં સક્રિય એવા કાર્યકર્તા તરીકે ઉભરી આવેલા શહેર યુવા પ્રમુખ સતિષ મૈસુરીયાના પત્ની જયશ્રી મૈસુરીયાને ભાજપ દ્વારા ટિકિટ આપીને એક વિશ્વાસ કાયમ કર્યો છે કે, જયશ્રીબેન મૈસુરિયા પોતાના વિસ્તારમાં વૉર્ડ નંબર ૧૪માં લોકોની સમસ્યાને સાંભળે અને તેમની સમસ્યાનો હલ કરવા માટે શહેર ભાજપ દ્વારા જયશ્રી મૈસુરીયાને ટિકિટ આપવામાં આવી છે.

જયશ્રી મૈસુરીયા માતાવાડી ચોક ખાતે આવેલા હેમકુંજ સોસાયટીમાં રહે છે. તેમને એક દીકરી પણ છે. તેમના લગ્નજીવનને ૧૧ વર્ષ પૂર્ણ થયા છે અને હાલ ૮ માસનો ગર્ભ પણ છે. જયશ્રી મૈસુરિયા ભાજપનો આભાર માની કહે છે કે, ભાજપે મારા પર વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે. તે વિશ્વાસ હું કદી તૂટવા નહીં દઉં. રાજશ્રીબેને કહ્યું કે, મારું નામ જાહેર થતાં મારી સાથે મારામાં રહેલા ગર્ભસ્થ બાળકને પણ જંગી લીડથી જીતાડવા માટે શપથ લઈ લીધા છે. કાર્યકરોના ઉત્સાહને જોઈને હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહી છું.

(8:49 pm IST)