Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના પત્નીને વેજલપુર વોર્ડમાં ટિકિટ આપતા સ્થાનિકકક્ષાએ ભાજપમાં વિવાદ

જોધપુર વોર્ડમાં રહેતા હોવા છતાં તેમને વેજલપુર વોર્ડમાં ટિકિટ ફાળવણી થતા શરૂઆતથી જ વિરોધ થયો

રાજ્યના શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ અને આચાર્ય અને શિક્ષક ભરતી બોર્ડના સભ્ય સચિવ એચ.એન.ચાવડાના ધર્મપત્ની કલ્પનાબેનને અમદાવાદ શહેરના વેજલપુર વોર્ડમાં ટિકિટની ફાળવણી કરતા સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ થયો હતો. કેમ કે તેઓ જોધપુર વોર્ડમાં રહેતા હોવા છતાં તેમને વેજલપુર વોર્ડમાં ટિકિટ ફાળવણી થતા શરૂઆતથી જ વિરોધ થયો હતો. આખરે સમજાવટથી મામલો થાળે પડી ગયો હોવાનું કહેવાય છે, પરંતુ અંદરખાને અસંતોષ જારી છે. આજે એટલે શનિવારે કલ્પનાબેને ફોર્મ ભરી દીધું છે હવે વિવાદનો અંત આવી જશે તેવું ભાજપના સૂત્રો જણાવ્યું છે

અમદાવાદમાં વેજલપુર વોર્ડમાં અનુસૂચિત જાતિની બેઠક પર કલ્પનાબેન હીરાલાલ ચાવડાને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ કરવા ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, કલ્પનાબેન જોધપુર વોર્ડના છે, તેમને વેજલપુર વોર્ડમાં ટિકિટ આપી છે. અહીંયા વર્ષોથી ભાજપ માટે કામ કરતા મહિલાઓને ટિકિટ આપી નથી. બીજીતરફ એવી માહિતી મળી હતી કે, વેજલપુર વોર્ડમાં અમદાવાદ પૂર્વના સાંસદ ડો. કિરીટ સોલંકીના ટેકેદારના પત્નીએ પણ ટિકિટ માંગી હતી પરંતુ તેમની બાદબાકી કરીને કલ્પનાબેનને ટિકિટ ફાળવતા વિરોધનો વંટોળ ફેલાયો હતો

(8:33 pm IST)