Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

પાટીદારો સાથે પહેલા ભાજપ અને હવે કોંગ્રેસે અન્યાય કર્યો : સંજયસિંહે આપ્યું ' આપ 'માં જોડાવવા આમંત્રણ

ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુરત કોંગ્રેસમાં ભડકો : પાસના નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ મળ્યા બાદ ઉમેદવારી ફોર્મ ના ભરતા રાજકારણ ગરમાયુ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં ભડકો થયો છે. સુરતમાં પાસના નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ મળ્યા બાદ ઉમેદવારી ફોર્મ ના ભરતા રાજકારણ ગરમાયુ છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પાસના સભ્યોને AAPમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ છે. 

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાતમાં છે. સુરતમાં સંજય સિંહે કહ્યુ કે, “પાટીદારો સાથે પહેલા ભાજપ અને હવે કોંગ્રેસે અન્યાય કર્યો છે. દેશના લોકો સાથે પણ બન્ને પક્ષ અન્યાય કરી રહ્યા છે. હાર્દિક પટેલના સમર્થક અને પાસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપુ છું. પાસના સભ્યોનું કોંગ્રેસે અપમાન કર્યુ છે.” સંજય સિંહે વધુમાં કહ્યુ કે, “આપ દ્વારા દિલ્હીમાં કામ થયુ તે મોડલ સૌની સામે છે. ગુજરાત અને સુરતમાં ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં છે પરંતુ વેરા વધારવા સિવાય કઇ કામ કર્યુ જ નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે પાસના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે મેન્ડેટ આપ્યુ હતું અને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી હતી. જોકે, ધાર્મિક માલવિયાએ પાસના અન્ય એક નેતાને ટિકિટ ના મળતા નારાજગી વ્યક્ત કરી હતી અને ઉમેદવારી ફોર્મ ભર્યુ નહતું. આ મામલે ધાર્મિક માલવિયાએ કહ્યુ કે, “કોંગ્રેસ પક્ષ દ્વારા મને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન અને સમાજની તાકાત એકતા અને એકજૂટતા હતી. 5 વર્ષથી પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન ચલાવ્યુ છે જેનો આડકતરી રીતે કોંગ્રેસને ફાયદો થયો છે. મને ઉમેદવાર તરીકે પસંદ કર્ચો પણ વોર્ડ નંબર 17માં વિલાસબેન ધોરાજીયા માટેની ભલામણ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી પાર્ટી દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી નથી. નામ સાથે રાજનીતિ થઇ રહી હોય તેમ લાગી રહ્યુ છે, આ પ્રકારની રાજનીતિ કરવાની જરૂર લાગતી નથી. એટલે હું ઉમેદવારી ફોર્મ ભરતો નથી

(8:27 pm IST)