Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

અમદાવાદમાં ૧૦૬ કોર્પોરેટર કપાતાં ભારે અસંતોષ જોવાયો

ઉમેદવારોના નામ જાહેર થવા સાથે ભાજપમાં ભડકો : કાર્યકરોનો પક્ષ છે અને યુવાનોને તક આપી હોવાનું જણાવીને મોવડીઓનો અસંતુષ્ટોને શાંત પાડવાનો પ્રયાસ

ગાંધીનગર, તા. ૬ : ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે અમદાવાદ સહિતના છ મહાનગરોના લગભગ તમામ ઉમેદવારોની એક સાથે જાહેરાત કરી એક અનોખો વિક્રમ રચ્યો હતો. પરંતુ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થતી ગઇ હતી તેમ તેમ ઠેર ઠેર પડતાં મૂકાયેલા અથવા તો નવા સવા ચહેરાઓને ટિકિટ મળતાં વર્ષો જૂના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ૬૦ વર્ષ પૂરાં કરનાર, ત્રણ ટર્મ પૂરી  થઇ હોય એવા અને પદાધિકારી, જનપ્રતિનિધિના સગા એમ ત્રણ નિયમો જાહેર કર્યા હતા તેનાથી ૮૦ ટકા કોર્પોરેટરોની ટિકિટો કાપાઇ ગઇ હતી. અમદાવાદમાં ૧૪૨માંથી ૧૦૬ કોર્પોરેટરોની ટિકિટો કપાઇ હોવાથી સ્વાભાવિક રીતે તેમના સમર્થકો, શુભેચ્છકોની લાગણી દુભાઇ છે.

એની સામે જનપ્રતિનિધિઓએ ભાગભટાઇ કરી મોટાભાગના વોર્ડમાં પોતાના જ ટેકેદારોને ટેકો આપી ટિકિટો અપાવી હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે. પરંતુ હાલ ભાજપમાં એમની વાત શિસ્ત અને નિયમોને ટાંકીને કોઇ સાંભળે એમ ન હોવાથી ૪૦ વોર્ડમાં કપાયેલા નેતાઓ સમસમીને બેસી ગયાં છે. આમ છતાં દસેક વોર્ડમાંથી નાના મોટા કાર્યકરોએ ખાનપુર કાર્યાલયે પહોંચી અમદાવાદ મહાનગર પ્રભારી આઇ.કે. જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ પોતાની લાગણીઓને પ્રદર્શિત કરી હતી.

ચાંદખેડામાં જાહેર થયેલા ઉમેદવારોને લઇ મોટી સંખ્યામાં મહિલાઓ બહાર આવી હતી અને ખાનપુર કાર્યાલયે પહોંચીને ચીમકી ઉચ્ચારી હતી કે ઉમેદવારો નહીં બદલાય તો રાજીનામાં આપી દેશે. આજે ૪૦ જેટલા કાર્યકરોએ આવીને રાજીનામા આપ્યા હતા. આ જ રીતે ગોતામાં દિનેશ દેસાઇને કાપી અન્ય ઉમેદવારને ટિકિટ આપવાના મુદ્દે પણ સ્થાનિક લોકોએ રજૂઆતો કરી હતી. નવાવાડજ, નારણપુરા, નરોડા, ચાંદલોડિયા, સાબરમતી જેવા વિસ્તારોમાં પણ કાર્યકરોએ ઉમેદવારોને બદલવાની અથવા તો જૂના કોર્પોરેટરને ટિકિટ કેમ નહીં અપાઇ એ મુદ્દે આવીને રજૂઆતો કરી હતી.

આ સંદર્ભે અમદાવાદ પ્રભારી આઇ.કે. જાડેજાને પૂછતાં તેમણે જણાવ્યું કે, ભાજપના સૌ કાર્યકરો છે એમને ક્યાંક નારાજગી હોય તો એમની રજૂઆત માટે આવતા હોય છે એટલે અસંતોષ છે એવું નથી. અમને ખાતરી છે કે સૌની નારાજગીને અમે દૂર કરીશું અને કાર્યકરોએ અમદાવાદમાં નક્કી કરેલા ૧૭૫ બેઠક જીતવાના લક્ષ્યાંકને અમે પાર પાડી શકીશું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એકસોથી વધારે કોર્પોરેટરોને પક્ષે ટિકિટ આપી નથી એની સામે નવા ચહેરાને તક આપી છે ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરોમાં જેમને તક નથી મળી એમને ક્યાંક નારાજગી હોય. પણ અમે સૌને સમજાવીને ફરીથી ચૂંટણીના કામમાં લાગી જશે એવો વિશ્વાસ છે. મ્યુનિ.માં ચૂંટાયેલાં કેટલાય કોર્પોરેટરોને ભાજપ સરકારમાં, પ્રદેશ નેતાગીરી, શહેર નેતાગીરી સાથે સારા સંબંધ હોવાનો ભ્રમ હતો. કેટલાકને તો કેન્દ્રીય નેતાગીરી સાથે તો અમુકને તો વડાપ્રધાન અને ગૃહપ્રધાન સાથેનાં સંબંધનો ઘમંડ હતો. આવા તમામ કોર્પોરેટરોને પડતા મૂકી દેવાયા અને તેમના સ્થાને નવા ઉમેદવારોને પસંદ કરવામાં આવતાં જે તે વોર્ડનાં કાર્યકરોમાં તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે અને આવા કોર્પોરેટરોને કાર્યકરો અને સમર્થકો સહિત કેટલી જગ્યાએ જાતજાતનાં ખુલાસા કરવા પડી રહ્યાં છે.

(7:55 pm IST)