Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્‍થિતિ સર્જાઇઃ પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને ટિકીટ મળવા છતાં છેલ્લે ફોર્મ ન ભરવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો

ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે આખરી દિવસ છે, ત્યારે સુરત કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવા સ્થિતિ સર્જાયી છે. જેમાં પાટિદાર નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ મળવા છતાં છેલ્લી ઘડીને નાટક કરીને ઉમેદવારી ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવેલા PAAS આગેવાન ધાર્મિક માલવિયાને કોંગ્રેસે વોર્ડ નંબર 3માં ટિકિટ આપી હતી જેમાં વરાછા અને યોગી ચોક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે. આ વિસ્તારોમાં જ અનામત આંદોલન સમયે ભાજપનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.

જો કે ધાર્મિક માલવિયા સુરતમાં વોર્ડ નંબર 17માં ટિકિટ માંગી હતી, પરંતુ તેમને વોર્ડ 3માં ટિકિટ આપવામાં આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લી ઘડીએ ધાર્મિક માલવિયાએ પોતે કોંગ્રેસમાંથી ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. ધાર્મિક સિવાય અન્ય પાસ આગેવાનોએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

આ મામલે PAASનું કહેવું છે કે, હવે કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે. પોતાની માંગ ના સંતોષાતા ધાર્મિક માલવિયાએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી છે. કોંગ્રેસ હાર્દિક પટેલને અવગણવાની ભૂલના કરે.

આ સિવાય ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, કોંગ્રેસના મોવડી મંડળના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે અને તેના ભાગ રૂપે અમારી પીઠ પાછળ ખંજર ભોકવાનું કામ આ પાર્ટીએ કર્યુ છે. કોંગ્રેસ હાર્દિક પટેલને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

અલ્પેશ કથીરિયા અને જયરાજ સિંહ વચ્ચે વાકયુદ્ધ Surat Civic Polls

ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચતા PAAS ના અલ્પેશ કથીરિયાએ ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, કોંગ્રેસ નેતાઓ પ્રચાર માટે સુરત આવીને બતાવે. સુરતમાં હાર્દિક પટેલ સિવાય એક પણ નેતાને એન્ટ્રી નહીં મળે.  જો કે અલ્પેશ કથીરિયા પર પલટવાર કરતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે જણાવ્યું કે, અલ્પેશ કથીરિયા સુરતનો ધણી નથી.

(5:17 pm IST)