Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દહેગામના કડાદરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવક ઘર છોડીને ભાગી જતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરી વ્યાજ વસુલતાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહયો છે. તાજેતરમાં જ અડાલજ પોલીસ મથકમાં નવ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આવી વધુ એક ઘટના દહેગામ તાલુકાના કડાદરા ગામે બનવા પામી છે. જે સંદર્ભે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કડાદરા ગામે રહેતાં માસુમઅલી નાસરઅલી સૈયદે ફરીયાદ નોંધાવી હતી કે તેને એક વર્ષ અગાઉ ધંધા નહીં ચાલતાં ગામના પાર્થ વિષ્ણુભાઈ પટેલ પાસેથી પ૦ હજાર રૃપિયા વ્યાજે લીધા હતા. જેમાં પાર્થે દસ ટકા વ્યાજે બે મહિનામાં રૃપિયા પાછા આપવાનું નકકી કર્યું હતું. એક મહિના વ્યાજ પેટે પાંચ હજાર રૃપિયા આપ્યા હતા ત્યારબાદ બીજા મહીને મીત્ર જાવેદઅલી પાસેથી પાંચ હજાર રૃપિયા ઉછીના લઈ વ્યાજ આપ્યું હતું. ત્યારબાદ વ્યાજની સગવડ નહીં થતાં પાર્થ પટેલે કહયું હતું કે જયાં સુધી રકમ નહીં પરત કરે ત્યાં સુધી એક દિવસનું એક હજાર રૃપિયા પેનલ્ટી લાગશે. પંદર દિવસ બાદ ૧પ હજાર પેનલ્ટી લેવા પાર્થ પહોંચ્યો હતો અને પરિવારજનોથી સગવડ કરીને ૧પ હજાર ચુકવી દીધા હતા. ત્યારબાદ રૃપિયા ચુકવવા માટે પાર્થે અન્ય કોઈ વ્યક્તિ પાસે પ૦ હજાર રૃપિયા લઈ આવીને આપ્યા હતા અને તેમાંથી વ્યાજ અને પેનલ્ટીના ૩૮ હજાર રૃપિયા કાપી બાર હજાર રૃપિયા જ આપ્યા હતા અને એક લાખ રૃપિયાનું દસ ટકા વ્યાજ આપવા અને નહીંતર રોજની ૧૫૦૦ રૃપિયા પેનલ્ટી ભરવા કહયું હતું. ગત તા.ર જીએ પાર્થ વ્યાજ અને પેનલ્ટીની રકમ મળી ૧.૧૪ લાખની ઉઘરાણી કરવા આવ્યો હતો અને નહીંતર તેના પીતાનું બાઈક લઈ જવાની ધમકી આપી હતી. જેના કારણે માસુમઅલી ઘરેથી નીકળી ગયો હતો અને પાવાગઢ પહોંચ્યો હતો. જયાં પરિવારજનો સાથે સંપર્ક થયા બાદ પરત ફર્યો હતો અને આ મામલે પાર્થ પટેલ સામે ફરીયાદ આપતાં દહેગામ પોલીસે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની કલમ-૩૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(4:45 pm IST)