Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દહેગામમાં મુખ્યમાર્ગોની આસપાસ આડેધડ વાહન પાર કરવામાં આવતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર: જિલ્લાના દહેગામ શહેરમાં આવેલા મુખ્યમાર્ગોની આસપાસ આડેધડ વાહનો પાર્ક થવાના કારણે અવર જવર કરતાં લોકોને પણ અકસ્માતના ભયે પસાર થવું પડે છે. ટ્રાફિકનું નિયમન જળવાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ટ્રાફિકજામની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે તેમ છે.

દહેગામ શહેરમાંથી પસાર થતાં મુખ્યમાર્ગની આસપાસ કોર્મશીયલ કોમ્પ્લેક્ષની સાથે સાથે બેન્કની શાખાઓ પણ આવેલી છે. રોજના અસંખ્ય લોકોની અવર જવરવાળા આ વિસ્તારમાં ટ્રાફિકનું નિયમન જળવાઇ રહે તે માટે કોઇ વ્યવસ્થા નહીં હોવાથી સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો પાર્કીંગ અંગે પણ યોગ્ય સુવિધા નહીં હોવાથી માર્ગની આસપાસ જ આડેધડ વાહનપાર્ક કરીને લોકો કામ અર્થે જતાં હોય છે. જેના પગલે અન્ય વાહનચાલકોને પણ અવર જવરમાં હેરાન પરેશાન થવું પડે છે. પાર્કીંગ બાબતે મુખ્યમાર્ગની આસપાસ કોઇ જ સુવિધા સ્થાનિક તંત્ર દ્વારા પણ ઉભી કરવામાં આવી નથી. જેનો ભોગ વાહનચાલકોને પણ બનવું પડે છે અને ના છુટકે વાહનો જ્યાં ત્યાં પાર્ક કરવાની ફરજ પડે છે. આમ માર્ગની બંને તરફ આડેધડ પાર્ક થતાં વાહનોથી અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. સત્વરે પાર્કિંગ બાબતે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

(4:44 pm IST)