Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નડિયાદના વડતાલમાંથી નકલી ડોક્ટરની ડિગ્રીના આધારે દવાખાનું ખોલી લોકોને લુંટનાર બોગસ ડોક્ટરની ધરપકડ

નડિયાદ:વડતાલમાંથી આરોગ્ય વિભાગે આજે એક ડુપ્લીકેટ ડોક્ટર ઝડપી પાડયો છે. છેલ્લાં આઠ વર્ષથી વડતાલમાં પોતાનું દવાખાનું ખોલીને આ બનાવટી ડોક્ટર લોકોને લૂંટી રહ્યો હોવાનું અને દર્દીઓની અપ્રામાણિક રીતે સારવાર કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ મદનભાઈ શાહ નામનો આ ડોક્ટર તેને ત્યાં આવતા દર્દીઓને દવાઓ આપતો,ઈન્જેક્શન આપતો તેમ જ સેલાઈન અને અન્ય બોટલો પણ ચડાવતો હતો. ઉપરાંત મહિલાઓની તપાસ કરીને પ્રેગ્નેન્સી કિટથી તેમને ગર્ભ રહ્યો છે કે નહીં તેની તપાસ પણ કરી આપતો હતો. ગર્ભ ટાળવા ગર્ભનિરોધક ગોળીઓ પણ આપતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદે હોવા છતાં આટલાં લાંબા સમયથી તંત્રમાં કોઈને જાણ કેવી રીતે ન થઈ તેવો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે.

જિલ્લા કલેક્ટરના ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ એક સ્થાનિક અરજદારની રજૂઆતના પગલે આજે વડતાલમાં મદનભાઈ શાહના દવાખાના પર આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડામાં આરોગ્ય વિભાગના કર્મીઓને દવાઓનો જથ્થો મળી આવ્યો હતો અને મદનભાઈ શાહ આટલાં વરસોથી ગેરકાનૂની રીતે ડુપ્લીકેટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. મદનભાઈ શાહ પાસેથી તબીબી ક્ષેત્રને લગતી કોઈ ડિગ્રી મળી ન હતી. દવાઓના જથ્થામાં વાંધાજનક દવાઓનો જથ્થો પણ મળ્યો હતો.  વધુ તપાસમાં જાણવા મળ્યા મુજબ મદનભાઈનો પુત્ર આયુર્વેદિક ડોક્ટર છે અને તે મહુધા તાલુકાના અલીણા ગામમાં પોતાનું દવાખાનું ચલાવે છે.

(4:43 pm IST)