Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

બૈજુ બાવરાએ સારંગીના કરુણ સ્વરથી પત્થરને પણ પીગળાવી તાનસેનને હરાવ્યો હતો.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલ ખાતે, જયપુર ઘરાનાના સંગીતકાર સાબીર ખાનનો અનોખો સારંગી વાદનનો કાર્યક્રમ

અમદાવાદ તા.૬ સારંગી એ ભારતનું સૌથી પ્રાચીન વાદ્ય છે. સારંગીનો સીધો સંબંધ ઓમકાર સાથે છે. સારંગી દેખાવે અત્યંત સુંદર હોય છે. તેમાં ૪૦ તારોનું ટ્યુનીંગ થયા પછી તાર પર હાથ પડતા ઓરીજન ઓમકારનો ધ્વની નીકળે છે.

     મોગલ સમ્રાટ અકબર અને તાનસેનના સમયમાં દ્રુપદ ગાયકી થતી ત્યારે સારંગીના સંગતમાં વીણાનો ઉપયોગ થતો. બૈજુ બાવરાએ સારંગીના કરુણ સ્વરથી પત્થરને પણ પીગળાવી તાનસેનને હરાવ્યો હતો.

  પહેલાના જમાનામાં ચુદ્ધમાં યોદ્ધાઓનો જુસ્સો વધારવામાં એક સાથે મોટી સંખ્યામાં સારંગી વાદકો સારંગી વગાડતા, જેથી યોદ્ધાઓનો જુસ્સો ટકી રહેતો.

સારંગી એ આંધળું વાદ્ય છે, જે મનની આંખોથી અનુભવી શકાય છે. માણસના ગળાની સૌથી નજીકનું વાદ્ય હોય તો તે એક સારંગી છે. સારંગીનો સંબંધ મુખ્યત્વે દિલ સાથે જોડાયેલ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં પ્રેમાનંદ સ્વામી સારંગી વગાડતા.જે સારંગી હાલ વડતાલમાં છે. પ્રેમાનંદ સ્વામીએ ગ્વાલિયરના સંગીતકારોને સારંગીમાં કરુણ રાગ વગાડી હરાવ્યા હતા.

સારંગી માટે એક સુત્ર છે " तुम मुझे खून दो, मै तुझे स्वर दूंगी । "સારંગી શીખનારાને પહેલા તો આંગળીના ટેરવામાંથી લોહી ટપકવા માંડે છે.

જેના પરિવારમાં ૪૦૦ વર્ષથી સારંગીનું વાદન થાય છે અને જેઓએ દેશ વિદેશમાં અનેક પ્રોગ્રામો આપેલ છે એવા જયપુર ઘરાનાના સારંગીવાદક સાબીરખાન દ્વારા, પોષ માસની ઢળતી રાતે, SGVP ગુરુકુલ ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની સાનિધ્યમાં સારંગી વાદકનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંતોના રચિત કિર્તનોને ડો.ચિંતનભાઇ મહેતાએ ધ્રુપદ રાગમાં ગાઇને સારંગી વાદક સાબીરખાનને સાથ આપેલ હતો. તેમજ જયપુર મનમોહન ભટ્ટના પરિવારમાંથી અને વલ્લભકુળ સાથે નાતો ધરાવતા એવા હેમંતભાઇ ભટ્ટે પણ સાથ આપેલ. તબલા વાદક આનંદભાઇ સોની પણ સંગતમાં જોડાયા હતા.

કાર્યક્રમને અંતે સાબીરખાને રાજસ્થાનનું મશહુર ગીત 'કેસરિયા આજો મારે દેશ' અને 'રઘુપતિ રાઘવ રાજા રામ' ધૂન સારંગીમાં વગાડી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમમાં કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો, ઋષિકુમારો, સંગીતકાર હસમુખ પાટડીયા અને જી.જે. મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ તમામ કલાકારોને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ એલચીનો હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

(3:39 pm IST)