Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

બોરસદ-ડભાસી હાઈવે પર નાળું બનાવવાની માગણી સાથે લોકો ઉગ્ર બન્યા: પથ્થરમારો:પોલીસનો લાઠીચાર્જ

બોરસદ ડભાસી પાસે ચક્કાજામ: ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો : વાસદ બગોદરા સિકસ લેન હાઇવે પર ડભાસી ગામ પાસે નાળું બનાવવાની માગણી

આણંદ: જિલ્લાના બોરસદ-ડભાસી હાઈવે પર નાળું બનાવવાની માંગ સાથે કરવામાં આવેલા ચક્કાજામ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના વાસદ-બગોદરા સિક્સ લેસ હાઈવે પર આવેલા ડભાસી ગામ નજીક સ્થાનિક રહીશો દ્વારા નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતા. હાલ પોલીસ દ્વારા અહીં જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને માહોલ તનાવપૂર્ણ છે

  અત્રે ઉલેલ્ખનીય છે કે બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા સિક્સ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ના હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ ડભાસીના ગ્રામજનો દ્વારા સિક્સ લેન પર જવા માટે પ્રવેશ પોઇન્ટ આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આમ છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

(1:00 pm IST)