Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરાઈ : પરિપત્ર બહાર પાડ્યો

મનપામાં વોર્ડદીઠ 6 લાખ,નગરપાલિકના ઉમેદવારો મહત્તમ 2,25 લાખ ખર્ચી શકશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમજ આવતીકાલે મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરતો પરિપત્ર આજે જાહેર કર્યો છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચાર ખર્ચ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે.

 મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2,25,000, એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 1,50,000 અને જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયા ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

(7:42 pm IST)