Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે ભાજપના 313 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

રાજકોટમાં તમામ 72 ઉમેદવારો, સુરતમાં 38, વડોદરામાં 34, જામનગરમાં 5 અને ભાવનગરમાં 44 તથા અમદાવાદમાં 120 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા

અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે શુક્રવારે ભાજપના 313 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમાંય રાજકોટના 72 ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી પત્રો ભરીને ઇતિહાસ સર્જી દીધો હતો. તમામ ઉમેદવારોએ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ ઉમેદવારી પત્રો ભરવા ગયા હતા.

ગુજરાતની છ નગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગરની 576 બેઠકોની ચૂંટણી છે. આ ચુંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે 6ઠ્ઠી ફ્રેબુઆરી છેલ્લી તારીખ છે. ગઇકાલે તા. 4થીના રોજ ભાજપ તરફથી 576 ઉમેદવારોની તબક્કાવાર યાદી જાહેર કરી હતી. આ યાદીના ઉમેદવારો પૈકી 313 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમાંથી રાજકોટમાં તમામ 72 ઉમેદવારોએ, સુરતમાં 38, વડોદરામાં 34, જામનગરમાં 5 અને ભાવનગરમાં 44 તથા અમદાવાદમાં 120 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. બાકીના ઉમેદવારો આવતીકાલે તા.6ઠ્ઠીના રોજ ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના લીગલ સેલ દ્રારા આ સમગ્ર પ્રક્રિયામાં ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરવામાં સંપૂર્ણ મદદ કરી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 6ઠ્ઠી ફ્રેબુઆરીએ ઉમેદવારીપત્રો ભરાઇ ગયા બાદ તા. ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. અને તા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 21મી ફ્રેબુઆરીના રોજ ચૂંટણી યોજાશે.

(12:52 am IST)