Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નર્મદા યોજનાનું પાણી કાળુ થઇ જતાં કોર્પોરેશને નમુના લેવડાવ્યા

હડાળા પમ્પીંગ સ્ટેશનથી તથા ત્રંબા ત્રિવેણી સંગમનાં પોઇન્ટ : ઉપરથી નર્મદાનાં પાણીનાં નમુના લઇ લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલાયા

રાજકોટ, તા., ૬: મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિતરણ કરવામાં આવતા નર્મદાના પાણીનાં નમુનાઓ લેવામાં આવ્યા હતા.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ થોડા દિવસો અગાઉ નર્મદા ડેમનું પાણી કાળુ પડી ગયાનું અને તેમાં લાખોની સંખ્યામાં માછલાઓ મરી જવાની ઘટના બની હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઇને રાજય સરકારે રાજયમાં જયાં-જયાં નર્મદા યોજનાનું પાણી પીવામાં ઉપયોગ લેવાય છે તે તમામ સ્થળોએથી પાણીના નમુનાઓ લેવડાવી તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરાવવા સુચના આપી હતી. જે અનુસંધાને રાજકોટ કોર્પોરેશને બે સ્થળોએથી નર્મદાના પાણીનાં નમુનાઓ લીધા હતા.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ વોટર વર્કસ વિભાગ દ્વારા રાજકોટને જયાંથી નર્મદાનીર મળે છે તે હડાળા પમ્પીંગ સ્ટેશનેથી અને સૌની યોજના કે જેના વડે આજી ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવે છે તેના મુખ્ય પોઇન્ટ ત્રંબા ત્રિવેણી સંગમ ખાતેથી નર્મદાના પાણીનાં નમુનાઓ લઇ અને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી અપાયેલ છે. સંભવતઃ શનીવારે આ પાણી પીવાલાયક છે કે કેમ?  તેનાં રીપોર્ટ આવશે. દરમિયાન આ પાણીમાં ઓકસીજન ઓછું થઇ ગયું હોવાનાં અહેવાલો પણ ચર્ચામાં હતા. (૪.૧૦)

(3:32 pm IST)