Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

શિક્ષણ વિભાગનો પ્લેસમેન્ટ કેમ્પ :૯૬ કંપનીઓએ ૧૮૪૬ વિદ્યાર્થીઓમાંથી ૬૬૩ને શોર્ટલિસ્ટ કર્યા

કુલ ૯૨૫ નોકરીઓ માટે ૧૮૪૬ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ થયા હતા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદઘાટન થયું. જેમાં કેમ્પના પહેલા જ દિવસે ૯૬ કંપનીઓએ ૬૬૩ને શોર્ટલિસ્ટ કર્યા હતા. કુલ ૯૨૫ નોકરીઓ માટે ૧૮૪૬ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ થયા હતા.

 વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા સમગ્ર રાજ્યમાં ૨૮ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ૨૩ પ્લેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. 

 આ કેમ્પમાં સરકારી કૉલેજો તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી ગ્રાન્ટ-ઈન-એડ કૉલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

  આ નોકરી ભરતી શિબિરોના આયોજન અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર (ઝોન-૧, નોડ-૨)નો મેગા પ્લેસમેન્ટ કેમ્પ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કેમ્પસમાં ૪ અને ૫ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા કમિશનર, ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે.

(11:17 pm IST)