Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જીરાના પાકને નુકસાનને લઇ ખેડૂત ચિંતાતુર બન્યા

ડબલ સિઝનનું વાતાવરણ સર્જાતા રોગ વધી શકેઃ લગ્નસરાની મોસમમાં માવઠુ મજા ના બગાડે તેની દહેશત

અમદાવાદ,તા. ૬, પંજાબ, તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના ઘણાખરા વિસ્તારોમાં હવામાનમાં અચાનક નોંધપાત્ર પલ્ટો આવ્યો છે,  હાલ લગ્નસરાની મોસમ હોઇ પ્રસંગ લઇને બેઠેલા લોકો વરસાદી છાંટા કે માવઠા લગ્નની તૈયારીઓની મજા ના બગાડે તેની દહેશતમાં આવી ગયા છે, તો બીજીબાજુ, જીરા સહિતના શિયાળુ પાકના નુકસાનને લઇ રાજયના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાનખાતાની આગાહી મુજબ, હજુ ૨૪ કલાક સુધી શહેર સહિત રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે તેમ છે અને આવતીકાલે પણ શહેરમાં વાદળછાયુ અને વરસાદી છાંટાનો માહોલ ચાલુ રહે તેવી સંભાવના છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ડબલ સીઝનનું વાતાવરણ સર્જાતાં શહેરીજનોના આરોગ્ય પર પણ તેની સીધી અસર વર્તાઇ હતી. આજે પણ શહેર સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ, માવઠા અને છૂટાછવાયા છાંટણાના અહેવાલો પ્રાપ્ત થયા હતા, જેના કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું હતું. બીજીબાજુ, હાલ લગ્નસરાની મોસમ હોઇ પ્રસંગો લઇને બેઠેલો લોકો તેમનું માંગલિક કાર્ય વરસાદી માહોલના કારણે બગડે નહી તેની ચિંતામાં આવી ગયા હતા જો કે, ગઇકાલે એટલો બધો ભારે વરસાદ નહી નોંધાતા તેઓએ રાહતનો દમ લીધો હતો પરંતુ તેમછતાં હજુ ૨૪ કલાક સુધી વરસાદી માહોલનું સંકટ ટળી ના જાય ત્યાં સુધી તેમનો જીવ ઉચાટમાં રહ્યો છે. તો  રાજયના ખેડૂતો પણ બદલાયેલા આ હવામાન અને વરસાદી માવઠા અને ઝાપટાની સ્થિતિમાં જીરા, રાયડા સહિતના શિયાળુ પાકના નુકસાનને લઇ ચિંતાતુર બન્યા છે. તેમના પાકને વધુ નુકસાન ના થાય અને ઝડપથી હવામાન ફરી પાછુ અનુકૂળ બને તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. આ સાથે હવામાન ખાતાએ શહેર સહિત રાજયભરમાં હજુ ૨૪ કલાક સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ રહેવાની શકયતા વ્યકત કરી હતી, જેને પગલે આવતીકાલે પણ શહેરમાં ઠંડી અને વાદળછાયા વાતાવરણની સાથે સાથે કયાંક કયાંક વરસાદી છાંટણા ચાલુ રહેશે.

(9:59 pm IST)