Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમદાવાદ શહેરી વિકાસ માટે ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરાઈ

આગવી ઓળખના કામોથી વિકાસને નવી દિશાઃ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરો અને નગરોના ક્લેવર બદલાયા છે : સુવિધા વધારાઈ છે

અમદાવાદ,તા. ૬, ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જ્યંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જ્યંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે. વર્ષ ૨૦૦૯થી અમલમાં આવેલી આ યોજનામાં વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં ૨૪ હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઈ દ્વારા શહેરો-નગરોના આંતરમાળખાકીય વિકાસ કામો સાથે આગવી ઓળખના કામો દ્વારા રાજ્યના શહેરો-નગરોના ક્લેવર બદલાઈ ગયા છે. શહેરના સર્વાંગી વિકાસ માટેની આ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૯માં શરૂઆત કરવામાં આવી. યોજનાના પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૦૯-૨૦૧૪ના પાંચ વર્ષ દરમિયાન રૂપિયા ૭૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૨-૧૭ના પાંચ વર્ષના બીજા તબક્કામાં બમણાંથી વધુ એટલે કે ૧૫૦૦૦ કરોડ મળી કુલ ૨૨ હજાર કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી હતી. એટલું જ નહીં વર્ષ ૨૦૧૭-૧૮માં આ યોજના અંતર્ગત ૨૭૯૧.૨૭ કરોડની બેટ જોગવાઈ કરાઈ હતી. આમ આ યોજના શરૂ થઇ ત્યારથી એટલે કે વર્ષ ૨૦૦૯થી અત્યાર સુધીમાં કુલ ૨૪૭૯૧.૨૭ કરોડની બજેટ જોગવાઈ શહેરોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી હોવાનું નિયામક, નપાઓની કચેરીના નાયબ નિયામકની યાદીમં જણાવાયું છે. આ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરના કામો, ટ્રાફિક વ્યવસ્થા, ફ્લાય ઓવરબ્રીજ, આંગણવાડી વગેરે જેવા આંતર માળખાકીય વિકાસના કામો ઉપરાંત બગીચા, સ્વીમિંગ પુલ, ટાઉનહોલ, હેરીટેજના કામો, તળાવનો વિકાસ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વગેરે આગવી ઓળખના કામો કરવામાં આવે છે. આ સિવાય ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી દ્વારા માળખાકીય સુવિધાના કામો, નગર સેવા સદનના મકાન બાંધકામ-મરામતના કામો પણ આવરી લેવાય છે. રાજ્યની નપામાં આ યોજના અંતર્ગત ૧૩૩૩૪ કરોડના ૧૧૨૯૭ કામોને વહીવટી મંજુરી અપાઈ હતી તે સામે ૧૦૫૫૧ કરોડની ગ્રાન્ટ ચુકવાઇ છે, વિકાસના ૯૫૮૮ ગામો પૂર્ણ કરાયા અને ૧૩૪૬ કામો પ્રગતિ હેઠળ છે.

(9:57 pm IST)