Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સાણંદના ઉદ્યોગ ગુજરાતની બહાર જવાની ફિરાકમાં છે

ગુજરાત સરકારનું ઓરમાયું વર્તન રહ્યું છે : એસોસિએશને આપી ચેતવણી : જાપાનના ઉદ્યોગોને વધુ મહત્વ જ્યારે ગુજરાતના ઉદ્યોગોની વ્યાપક ઉપેક્ષા કરાઈ

અમદાવાદ,તા. ૬ : ગુજરાત ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેની પાછળ પાંચ લાખ નાના ઉદ્યોગની મહેનત અને પરિણામોનો સિંહફાળો છે. ગુજરાતની ઓળખ પણ નાના ઉદ્યોગોથી જ થાય છે પરંતુ હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયાં ઔદ્યોગિક વિકાસના મહત્વાકાંક્ષી સપના સેવ્યા હતા તેવા સાણંદમાં ઉદ્યોગજગતની કફોડી હાલત બની છે. ગુજરાત સરકાર અને સાણંદ વસાહત(જીઆઇડીસી)ના અધિકારીઓના ઓરમાયા વર્તનના કારણે સાણંદમાંથી ૨૦૦થી વધુ ઉદ્યોગકારોએ પોતાના બિસ્તરા પોટલા બાંધી તેમનો ઉદ્યોગ માંડી વાળ્યો છે, જેના કારણે આશરે રૂ.એક હજાર કરોડનું રોકાણ સાણંદમાંથી જતુ રહ્યું છે, તો સાથે સાથે આઠ હજારથી વધુ લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે. સરકારના ઓરમાયા અને ઉપેક્ષિત વ્યવહારના કારણે આજે સાણંદના ઉદ્યોગોને તાળા મારવાનો વારો આવ્યો છે અને આગામી દિવસોમાં સાણંદના મહત્વના ઉદ્યોગો ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ખસેડવાની ફિરાકમાં છે. સાણંદ ઇન્ડ્સ્ટ્રીઝ એસોસીએશન દ્વારા તેમના ઉદ્યોગો ગુજરા બહાર મધ્યપ્રદેશ ખસેડવાની ગંભીર ચીમકી આપી છે. તા.૯મી ફેબ્રુઆરીએ એસોસીએશનું એક પ્રતિનિધિમંડળ ઇન્દોર, ભોપાલ ખાતે મધ્યપ્રદેશ સરકારની ઓફર સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા માટે ત્યાં જઇ રહ્યું છે એમ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ અજીતભાઇ શાહ, ઉપ્રમુખ નીરજ શાહ અને ખજાનચી અતુલભાઇ શાહે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ સાણંદમાં ટાટા નેનોને લાવતી વખતે રોજગારી અને ઔદ્યોગિક વિકાસની બહુ મોટી મોટી અને મહત્વની જાહેેરાતો કરી હતી, તે સાણઁદના ઔદ્યોગિક વિકાસનું સપનું ગુજરાત સરકાર અને જીઆઇડીસીના હાલના અધિકારીઓના બિનવ્યવહારૂ અને જક્કી વલણના કારણે રોળાઇ રહ્યું છે. આ અંગે એસોસીએશનના આ પદાધિકારીઓએ ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર અને જીઆઇડીસીના અધિકારીઓને એસોસીએશનના હોદ્દેદારોએ અત્યારસુધીમાં વારંવાર રજૂઆતો કરી પરંતુ તેમના પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવતુ નથી. મુખ્ય સમસ્યા એ છે કે, સરકારે તેઓને ૨૦૧૧માં ઉદ્યોગકારોને પ્લોટોની ઓનપેપર ફાળવણી કરી પરંતુ ત્યાં તેમને પાણી, વીજળી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક માળખાગત સુવિધા જ ૨૦૧૫ સુધી ઉપલબ્ધ ના કરાવી. જેના કારણે ઉદ્યોગકારો ૨૦૧૫ સુધી તેમના ઉદ્યોગો સ્થાપી ના શકયા. વળી, હવે જયારે ઉદ્યોગકારો સરકાર અને જીઆડીસી સત્તાધીશો પાસે લીઝડીડ કરાવવા જાય છે, તો સત્તાવાળાઓ ઉદ્યોગકારોને તમે પ્લોટ ફાળવ્યાના બે વર્ષમાં ઉદ્યોગ શરૂ કર્યો નથી, તેથી જમીનના ભાવના બે ટકા લેખે પેનલ્ટીની વસૂલાત કરી રહ્યા છે, જે બિલકુલ અયોગ્ય, અતાર્કિક અને ગેરકાયદેસર છે. એસો..ના પ્રમુખ અજીતભાઇ શાહ અને ખજાનચી અતુલભાઇ શાહે જણાવ્યું હતું કે, સરકારેે તેમને માળખાગત સુવિધા જ ૨૦૧૫માં ઉપલબ્ધ કરાવી છે તો બે વર્ષમાં કેવી રીતે ઉદ્યોગ સ્થપાય ? જીઆઇડીસીના અધિકારીઓ લીઝડીડ પહેલા છેલ્લા ચાર-પાંચ વર્ષની પેનલ્ટીની વસૂલાતની વાત કરી રહ્યા છે એટલે કે, કરોડો રૂપિયાનો બોજો ઉદ્યોગકારો પર આવે. એક તો, ઉદ્યોગ સ્થાપવા ઉદ્યોગકારોએ લાખો-કરોડો રૂપિયા આપી જમીનનો પ્લોટ લીધો અને હવે એ જમીન લીઝડીડ વિના માર્ગેજ પણ થઇ શકતી નથી અને તેની પર લોન મેળવી શકાય તેવી સ્થિતિ નથી. આ સંજોગોમાં ઉદ્યોગકારોની કેપીટલ બ્લોક થઇ ગઇ છે અને ઉદ્યોગોને તાળા મારવાનો વારો આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એસોસીએશને રાજયના મુખ્યમંત્રીને છેલ્લા પાંચ વર્ષમાં અત્યારસુધીમાં અઢાર વખત રજૂઆત કરી પરંતુ તેઓ અત્યારસુધી તેમને મળતા નથી કે, આ સમસ્યાનું કોઇ નિરાકરણ લાવતા નથી.

સરકાર અને જીઆઇડીસીના અધિકારીઓના આવા ઓરમાયા વ્યવહારથી કંટાળી ૧૫૦થી વધુ ઉદ્યોગો હવે તેમના ઉદ્યોગો ગુજરાત બહાર ખસેડવા તૈયાર થયા છે અને આ માટે મધ્યપ્રદેશ સરકારે તેમને આમંત્રણ આપ્યું છે. ઇન્દોરથી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં સારા લોકેશન સાથે સારી ઓફરો આપવાની હૈયાધારણ મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાઇ છે અને તે અંગે ચર્ચા વિચારણા કરવા સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનું એક પ્રતિનિધિમંડળ તા.૯મી ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ જઇ રહ્યું છે. સરકારના આવા ઉપેક્ષિત વલણના કારણે ગુજરાત સરકારની છબી પણ ખરડાઇ છે.

સાણંદના ઉદ્યોગકારોની માંગ

ઉદ્યોગકારોને તરત પ્લોટોની ફાળવણી જરૂરી

ગુજરાત ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેની પાછળ પાંચ લાખ નાના ઉદ્યોગની મહેનત અને પરિણામોનો સિંહફાળો છે. ગુજરાતની ઓળખ પણ નાના ઉદ્યોગોથી જ થાય છે પરંતુ હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયાં ઔદ્યોગિક વિકાસના મહત્વાકાંક્ષી સપના સેવ્યા હતા તેવા સાણંદમાં ઉદ્યોગજગતની કફોડી હાલત બની છે. સાણંદના ઉદ્યોગકારોની માંગણીઓ તરફ ધ્યાન આપવાની જરૂર છે.

જાપાનના ઉદ્યોગોની ફાઇલો ૩-૪ દિવસમાં જ કલીયર

સાણંદ ઇન્ડ્સ્ટ્રીઝ એસો..ના પ્રમુખ અજીતભાઇ શાહ અને ખજાનચી અતુલભાઇ શાહે જણાવ્યું હતું કે, એકબાજુ, ગુજરાતના નાના ઉદ્યોગો મરી રહ્યા છે અને બીજીબાજુ, જીઆઇડીસીના અધિકારીઓ જાપાનના ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા લાલજાજમ બિછાવી તેઓને વીવીઆઇપી ટ્રીટમેન્ટ અને સરભરામાં પડયા છે. તાજેતરમાં જ જાપનના ઉદ્યોગો માટે જમીનના ભાવોમાં ૧૦ ટકાનું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. એટલું જ નહી, જાપાનના ઉદ્યોગોને સબ લેટીંગ ફીસ(પેટા ભાડે)માં ત્રણ ટકાની જગ્યાએ માત્ર એક ટકાની રાહત કરી અપાઇ છે. જયારે ગુજરાતના ખાસ કરીને સાણંદના ઉદ્યોગોને પેનલ્ટી અને ઓરમાયા વર્તનથી ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, જાપાનના ઉદ્યોગો અથવા તો મલ્ટીનેશનલ કંપનીઓની કોઇપણ કામની ફાઇલો માત્ર ત્રણ-ચાર દિવસમાં કલીયર થઇ જાય છે, જયારે ગુજરાતના નાના ઉદ્યોગકારોના કોઇપણ કામને ત્રણ-ચાર મહિના પહેલા મંજૂરી મળતી નથી.

સાણંદના ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓ

(૧)ઉદ્યોગકારોને પ્લોટો ૨૦૧૧માં ફાળવાયા પરંતુ માળખાગત સુવિધા ૨૦૧૫માં પૂરી પડાઇ તેથી તેઓને પ્લોટ એલોટમેન્ટની તારીખ બદલીને તા.૩૧-૩-૨૦૧૫ કરી આપો

(૨)સાણઁદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનની તેમની પ્લોટ ફાળવણીની જીઆઇડીસી સત્તાવાળાઓ સમક્ષ જે પડતર માંગણી છે, તે ફાઇલ અઢી વર્ષ ઉપરાંતના સમયથી અટવાયેલી છે, તેથી ઉદ્યોગકારોને તાત્કાલિક પ્લોટોની ફાળવણી કરો

(૩)નાના ઉદ્યોગકારો માટે બે વર્ષમાં ઉદ્યોગ સ્થાપવાની જે મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે વધારી ચાર વર્ષ કરવામાં આવે કારણ કે, માળખાગત સુવિધા આપવામાં વિલંબ સરકારે કર્યો છે. મોટા ઉદ્યોગોને ઉદ્યોગ સ્થાપવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવે છે, તો નાના ઉદ્યોગોને અન્યાય કેમ ? નાના ઉદ્યોગોને પણ ચાર વર્ષનો સમય જ આપવામાં આવે.

(7:45 pm IST)