Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ચાણકયપુરીમાં કોન્સ્ટેબલ પર ગુપ્તી વડે ગંભીર હુમલો કરાયો

શહેરમાં પોલીસ પર વધતા જતા હુમલા : ચેકીંગ કરવા માટે યુવકોની કાર ઉભી રખાવતાં માથાભારે યુવકોએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો : કોન્સ્ટેબલને ઇજા

અમદાવાદ,તા. ૬ : છેલ્લા ઘણા સમયથી શહેરમાં પોલીસ જવાનો અને કર્મચારીઓ પર હુમલા કરવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. માથાભારે ગુનેગારો અને તત્વોને જાણે પોલીસ તંત્રનો કોઇ જ ડર ના રહ્યો હોય તેમ બેખૌફ રીતે તેઓ પોલીસ પર બિન્દાસ્ત હુમલો કરી ઇજાનો ભોગ બનાવતા હોય છે અને શહેર પોલીસ પણ જાણે આવા ગુનેગાર તત્વોને નાથવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે ત્યારે સામાન્ય પ્રજાજનોની સુરક્ષાને લઇ પોલીસની ભૂમિકા સામે પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આવા જ એક બનાવમાં શહેરના ચાણકયપુરી વિસ્તારમાં કારમાં જઇ રહેલા કેટલાક યુવકોએ ફરજ પર હાજર કોન્સ્ટેબલે ચેકીંગના કારણસર કાર આંતરતા માથાભારે યુવકોએ ઉશ્કેરાઇ જઇ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી તેની પર ગુપ્તી વડે હુમલો કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલને હાથમાં ઇજા પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં મનુભાઇ નારણભાઇ અને કનુભાઇ ગઇકાલે મોડી રાત્રે ચાણકયપુરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચાણકયપુરી પાસે આવેલા પાર્ટીપ્લોટ નજીક મહારાષ્ટ્ર પાસીંગની એક એસેન્ટ કાર ત્યાં આવતાં, કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોઇ અને કારની પાછળની નંબર પ્લેટ પણ લાગેલી નહી હોઇ સ્વાભાવિક રીતે જ શંકા જતાં કોન્સ્ટેબલ મનુભાઇએ કારમાં બેઠેલા ચાર શખ્સોને નીચે ઉતાર્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી. જેમાં બે યુવકોએ તેમના નામ મહાવીર અને પાર્થ હોવાનું અને તેઓ ચાણકયપુરી વિસ્તારમાં જ રહેતા હોવાનું જણાવ્યું હતું. કોન્સ્ટેબલ મનુભાઇએ ગાડીના કાગળો માંગતા માથાભારે યુવકોએ પોલીસના જવાનો સાથે તું તું મૈં મૈં શરૂ કરી હતી અને ઝઘડો કર્યો હતો. એટલું જ નહી, બંને કોન્સ્ટેબલોએ ચારેય યુવકોને સોલા પોલીસ મથક લઇ જવાની તજવીજ હાથ ધરતાં માથાભારે શખ્સ મહાવીરે કારની ડ્રાઇવર સીટની નીચે પડેલી ગુપ્તી લઇ કોન્સ્ટેબલ કનુભાઇ પર હુમલો કર્યો હતો પરંતુ કોન્સ્ટેબલ મનુભાઇએ તરત જ વચ્ચે હાથ નાંખી ગુપ્તીનો ઘા ઝીલી લેતાં તેમને હાથમાં ઇજા પહોંચી હતી અને હાથમાંથી લોહી વહેવા માંડ્યું હતું. કોન્સ્ટેબલ હુમલો કરી ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બંને કોન્સ્ટેબલોએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર શખ્સ મહાવીર અગાઉ પણ સોલા પોલીસમથકના પીએસઓ, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ સહિતના પોલીસ જવાનો સાથે માથાકૂટ કરવાના પ્રકરણમાં પંકાયેલો છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ કાયદેસર કાર્યવાહી કરવાની દિશામાં તપાસ વધારી છે.

(7:37 pm IST)