Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જમીન ખાલી કરાવવા બાબતે નડિયાદમાં ચાર શખ્સોએ કોન્ટ્રાક્ટર સહીત ત્રણ ઈસમને ઢોરમાર મારતા ગુનો દાખલ

નડિયાદ: નડિયાદમાં જમીન ખાલી કરાવવા બાબતે ઝઘડો વણસ્યો હતો. જેમાં ચાર શખ્સોએ લેબર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ વ્યક્તિઓને મારમાર્યા હતા. આ બનાવ બાદ ઘવાયેલા કોન્ટ્રાક્ટરે માર મારનાર મ્યુનિ કાઉન્સિલર સહિત ચાર  સામે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના પવનચક્કી રોડ ઉપર વિરલ પ્રભુદાસ પ્રજાપતિ રહે છે. તેઓ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. વિરલ ગત્ સવારે જૂની મનોહર મીલ કંપાઉન્ડમાં  પોતાની સાઈટ ઉપર હતા. આ જૂની મનોહર મીલ કંપાઉન્ડની જગ્યા થોડા સમય પહેલા વિક્રમ પરસોત્તમભાઈ સાપરાએ વેચાણ લીધી હતી. બાદમાં અહીયા કોન્ટ્રાક્ટર દ્વારા કન્ટ્રક્શનનું કામ ચાલુ કરાયુ હતું. ગત્ રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહેરમાં રહેતો બકુલ હરતાન રબારી અને વિક્રમભાઈ  વચ્ચે આ જમીન ખાલી કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં વિક્રમભાઈએ જણાવ્યું કે આ જમીન અમે ભાગીદારીમાં લીધી છે અને અમી અહીયા કન્ટ્રક્શનનું કામ ચાલુ રાખીશું તેમ કહેતા બકુલ રબારી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમ્યાન બકુલ અને તેના સાગરીત સંજય રબારી તથા અન્ય બે જેટલા લોકોએ લાકડી લઈ આવી વિક્રમભાઈને મારમાર્યો હતો. જ્યારે આ ઝઘડામાં વચ્ચે છોડાવા પડેલ કોન્ટ્રાક્ટર વિરલ અને અમીતભાઈને મારમાર્યા હતા. ઉપરાંત કન્ટ્રક્શન સાઈટ ઉપર મૂકેલ બોર્ડ તથા ખુરશીઓને તોડી નાખી નુકશાન પહોંચાડી આ ચારેય શખ્સો પાલયન થઈ ગયા હતા. આ બનાવ અંગે કોન્ટ્રાક્ટર વિરલ પ્રજાપતિએ ઉપરોક્ત બકુલ રબારી,  સંજય રબારી  તથા અન્ય બે લોકો સામે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈપીકો કલમ ૪૪૭, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨),  ૧૧૪, ૪૨૭ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.આરોપી બકુલ રબારી હાલ નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ફરજ બજાવે છે.

 

(6:38 pm IST)