Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી રોકવાના આદેશો

SRPનું એક ગ્રુપ તૈનાતઃ વધુ ફોર્સ પણ તૈનાત કરાશેઃ પાણીની ચોરી રોકવા રાઉન્ડ ધ કલોક વોચ

અમદાવાદ તા. ૬ : રાજયમાં ઉભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને રાજય સરકારે કલેકટર્સને નર્મદા કેનાલના પાણી પર નજર રાખાવની સુચના આપી છે. નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ન થાય તે માટે કલેકટર્સને જરૂર પડે તો એડિશનલ સિકયોરિટી ફોર્સ પણ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. SRPના એક ગ્રુપને તો આ હેતુસર તૈનાત કરી દેવામાં આવ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ(SSNNL)ના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રી અને ખેડૂતો દ્વારા નર્મદાના પાણીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં ન આવે તે ધ્યાન રાખવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. મુખ્ય અને સબ-કેનાલ પાસે અમે તકેદારીના ભાગ રૂપે ચાંપતી નજર રાખી છે. અમારા સ્ટાફ દ્વારા અત્યાર સુધી ૮૦૦૦ આ પ્રકારની નાળી દૂર કરવામાં આવી છે. અમે ખેડૂતોને ન્યુઝપેપર અને અન્ય માધ્યમોથી જાહેરાત કરીને જાણ કરી દીધી છે કે તેમને ઉનાળુ પાક માટે પાણી નહીં મળે.

અધિકારીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતો વિરૂદ્ઘ કોઈ કડક પગલા લેવા નથી માંગતી, પરંતુ ચોક્કસપણે પાણીની કેનાલને નુકસાન કરીને પાણીની ચોરી કરવાની ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સરકારે નક્કી કર્યું છે કે માલિયા-મિયાણા અને અન્ય મુખ્ય કેનાલ નેટવર્ક જયાં પાણીની ચોરીની ઘટનાઓ વધારે બને છે ત્યાં પાણીનો સપ્લાય અટકાવી દેવામાં આવશે અને સૌની યોજના તેમજ અન્ય પાઈપલાઈન્સમાં તે ડાયવર્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, પીવાના પાણીની તંગી ઉભી ન થાય તે માટે સરકાર ખેડૂતોને ઉનાળુ પાકની ખેતી અને સિંચાઈ માટે પાણી નહીં આપી શકે. નર્મદા ડેમનું પાણી ગુજરાત સહિત ચાર રાજયોના લોકોની પાણીની જરૂરિયાતોને પુરી કરવા માટે છે. આ વખતે ઓછા વરસાદને કારણે ડેમમાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી. પીવાનું પાણી અમારી પ્રાથમિકતા છે. આવી સ્થિતિ ૨૦ વર્ષમાં એકવાર સર્જાય છે.(૨૧.૧૧)

(10:38 am IST)