Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ફિઝિકલ ડોકયુમેન્ટના અભાવે રૂ. ૬૦૦ કરોડના GST રિફંડ પેન્ડિંગ

વેપારીઓના રિફંડ તાકીદે રીલીઝ કરવા ચર્ચા થઇ, પણ રિફંડ કયારે મળશે? વેપારીઓ ચિંતિતઃ રાજ્ય કર ભવન ખાતે જીએસટી ઉપરાંત કસ્ટમસ, એકસાઇઝના અધિકારીઓની મીટીંગ મળી

અમદાવાદ તા. ૬ : દેશમાં કર માળખું સરળ બને તેવા હેતુસર GSTનો અમલ શરૂ કરાયો છે. જયારે હકીકત કંઇક વિપરીત જ છે. GSTના અમલના સાત મહિનામાં GST અઘરો બની ગયો છે. GST અંગે હજુ અધિકારીઓને જ પુરતી સમજણ, અધિકારીઓની અણસમજ અને ટેકનિક ખામીઓને લઇને હજારો વેપારીઓના રિફંડ અટકી પડ્યા છે. જે અંગે ચર્ચા કરવા માટે કર ભવન ખાતે GSTના અધિકારીઓ પી.ડી.વાઘેલા અને અજય જૈન ઉપરાંત કસ્ટમ અને એકસાઇઝ કમિશનર પી.વી.આર. રેડ્ડી અને ચેમ્બરના હોદ્દેદારોની એક મીટિંગ મળી હતી. જીએસટીના અમલ બાદ રિફંડને લઇને નિકાસકારો અને વેપારીઓમાં રોષ છે ત્યારે વિભાગે મેન્યુઅલ રિફંડ ઓર્ડરની પ્રક્રિયા પણ હાથ ધરી છે પરંતુ મોટાભાગે ડોકયુમેન્ટ્સમાં મિસમેચના કારણે ઘણા રિફંડ પેન્ડીંગ છે. ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ ના થયા હોવાથી રૂ. ૬૦૦ કરોડના રિફંડ પેન્ડીંગ છે એમ કોમર્શિયલ અને સ્ટેટ ટેકસના કમિશનર ડો. પી. ડી. વાઘેલાએ જણાવ્યું હતું.

આઇજીએસટી અને એસજીએસટી રિફંડના મુદ્દે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના પ્રમુખ શૈલેષ પટવારી અને જીએસટી કમિટીના ચેરમેન નયન શેઠ તથા ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચરર્સ એસો. (જીડીએમએ) ના હોદ્દેદારોએ કોમર્શિયલ ટેકસ વિભાગના અધિકારીઓ સાથે સોમવારે બેઠક કરી હતી. તેમાં પી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, 'મેન્યુઅલ રિફંડ ઓર્ડર બનાવવામાં આવ્યો છે અને વિભાગ દૈનિક ધોરણે તેની પ્રગતિ ચકાસે છે. અનેક કિસ્સામાં કલેઇમ કરનારાની ભૂલોના કારણે પણ રિફંડ બાકી છે. ડેટા મિસમેચના કારણે અથવા તો ફિઝિકલ ડોકયુમેન્ટ્સના અભાવે રિફંડ બાકી છે. ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ ના થયા હોવાથી આશરે રૂ. ૬૦૦ કરોડના રિફંડ બાકી છે.'

તેમણે જીસીસીઆઇ અને જીડીએમએને જણાવ્યું હતું કે તેઓ તેમના સભ્યોને રિફંડ માટે ફિઝિકલ ડોકયુમેન્ટ્સ સબમિટ કરવા સૂચન કરે તે જરૂરી છે. એકનોલેજમેન્ટ મળ્યાંના ૭ દિવસમાં આઇજીએસટી રિફંડનું કિલયરિંગ કરવાની વિભાગની ડેડલાઇન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ફરીથી સાત દિવસમાં રિફંડનો 'હથેળીમાં ચાંદ' બતાવ્યો

જયારથી GST અમલમાં આવ્યો છે. ત્યારેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રિફંડ માટે કલેઇમ કરો અને સાત દિવસમાં રિફંડ તમારા એકાન્ટમાં જમા થઇ જશે. તેવી વાતો કરવામાં આવી છે. હકીકત એ છે કે હજુ મોટા ભાગના વેપારીઓને રિફંડ ન મળતાં તેની આડ અસર ધંધા પર પડી રહી છે. કર ભવન ખાતે અધિકારીઓની મળેલી બેઠકમાં વધુ એક વખત ડો. પી.ડી.વાઘેલાએ અઠવાડીયામાં IGST રિફંડ આપવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે ખરેખર વેપારીઓને રિફંડ મળે છે કે કેમ?

રિફંડ મળતા નથી અને વધુ એક વખત 'સેમીનાર' થશે

વેપારીઓ પોતાના રિફંડને લઇને પરેશાન થઇ રહ્યા છે. ત્યારે જ અધિકારીઓ પણ સરકારી જવાબ આપી રહ્યા છે. આ પરીસ્થીતીમાં આગમી ૧૦મી ફેબ્રુઆરીએ ચેમ્બર ખાતે GST અને કસ્ટમ્સ તથા એકસાઇઝના અધિકારીઓના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિટર્ન કેવી રીતે ફાઇલ કરવું તે અંગેની અધિકારીઓ માર્ગદર્શન આપશે.

કેટલીક ટેકનિકલ ક્ષતિઓને લીધે રિફંડ અટવાયા

એકસપોર્ટ ઇમ્પોર્ટ કરતા ઘણા વેપારીઓના રિફંડ ટેકનીલ ક્ષતિને લીધે અટવાયા છે. ઘણી વખત રિફંડ માટે કરતા કલેઇમમાં ભૂલ કથી હોવાથી જેતે ડેટા મિસ મેચ થવાને લઇને રિફંડ અટકી પડે છે. વેપારીઓને રિફંડ મળી જાય તેના માટે પ્રયાસ થઇ રહ્યા છે.

- પી.વી.આર રેડ્ડી, ચિફ કમિશનર કસ્ટમ્સ.

(10:37 am IST)