Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કોર કમિટિમાં લીધેલા નિર્ણયોને પરિણામે મળી સફળતા : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ :રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ ૫૦,૦૦૦ થી વધુ કોવિડ-૧૯ બેડ પૈકી ૯૦% થી ઉપર બેડ ખાલી

અમદાવાદ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યુ છે કે, કોરોનાના સંક્રમણથી બચાવીને નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પરિણામલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.  ડૉ. રવિએ ઉમેર્યુ કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૦ મહિનાથી મળી રહેલ કોર કમિટિની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો અને તેમના અમલીકરણ થકી નાગરિકોને સુરક્ષિત કરવાના કારણે આ સફળતા મળી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અને નાગરિકો દ્વારા મળેલ વ્યાપક જનપ્રતિસાદને પરીણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે.

  તેમણે ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ ૭,૯૯૨ થી વધુ બેડની સામે હાલ ૬૦૬ જેટલા દર્દીઓ દાખલ છે જ્યારે ૭,૩૮૬ જેટલા બેડ ખાલી છે. વડોદરા શહેરમાં પણ ૫,૮૯૦ બેડની સામે ૧,૦૧૧ દર્દીઓ દાખલ છે જયારે કે ૪,૮૦૦ થી વધુ બેડ ખાલી છે. વડોદરા શહેરમાં આઈ.સી.યુ.માં પણ ૮૦૦ થી વધારે બેડ હાલ ઉપલબ્ધ છે. સુરત જિલ્લામાં ૭,૭૮૩ બેડની સામે ૨૩૪ દર્દીઓ દાખલ છે અને ૭,૫૪૯ જેટલા બેડ ખાલી છે આમ, રાજ્યમાં જોવામાં આવે તો હોસ્પિટલોમાં ૫૦,૦૦૦ થી વધુ કોવિડ-૧૯ બેડ પૈકી મોટાભાગના એટલે કે ૯૦% થી ઉપર બેડ ખાલી છે જે બતાવે છે કે હાલ રાજ્યમાં કોવિડ-૧૯ રોગનું પ્રમાણમાં  ઘટાડો જોવા મળ્યો છે.

  તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો દર ૯૪.૮૨% છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ- ૨,૩૬,૩૨૩ દર્દીઓએ કોરોનાએ મ્હાત આપી છે. રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યામાં ખુબજ ઘટાડો નોંધાયો છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તેના પરિણામે કોવિડ-૧૯ સબંધિત હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં વધારો જોવા મળેલ છે.

(8:48 pm IST)