Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમદાવાદમાં ૨ લૂંટના પાંચ આરોપીઓ પોલીસે ઝડપાયા

ત્રણ ચોર ચોરી કરવા ખાસ યુપીથી આવ્યા હતા : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને અમદાવાદ શહેર અને બે આરોપીઓને મુંબઈમાંથી ઝડપી પાડ્યા

અમદાવાદ,તા.૬ : અમદાવાદના નિકોલ અને ઠકકર બાપાનગરમાં થયેલ ફાયરિંગ વિથ લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ૮ આરોપીઓ ભેગા મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને જેમાં ૩ આરોપીઓને યુ.પીથી ખાસ લૂંટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને જે આરોપીઓ હાલ ફરાર છે.  ક્રાઈમ બ્રાન્ચે ૩ આરોપીઓને અમદાવાદ અને ૨ આરોપીઓને મુંબઈથી પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લૂંટ કરી પોલીસને દોડતી કરનાર ગેંગના ૫ લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ રાજવીર સિંહ ગૌર,સતેન્દ્ર સિંહ ગૌર, સુકેન્દ્ર સિંહ નારવારીયા, દિપક પરિહાર, અજય મરાઠાની ધરપકડ કરી છે અને ફરાર આરોપીઓ બુદ્ધેસિંગ પરિહાર, સુધીર ઉર્ફે ફૌજી અને લખન નામના આરોપીઓની તપાસ હાલ ચાલી રહી છે. આરોપી રાજવીર અને સતેન્દ્ર બંને ભાઈઓ છે અને છેલ્લા ઘણા સમય થી અમદાવાદમાં રહે છે. આરોપી રાજવીર મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો અને જેમાં નુકસાન થઈ જતા દેવું થઈ ગયેલ અને આરોપી સુકેન્દ્ર સિંગ જુગાર રમતો હતો અને તેને પણ દેવું થઈ ગયું હતું.

            જેથી રાજવીર અને સુકેન્દ્ર છેલ્લા ૪-૫ મહિનાથી ચોરી લૂંટ માટે પ્લાન કરી રહ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે સતેન્દ્ર સિંહે આ લૂંટની ઘટનાને અંજામ માટે પોતાના બનેવી બુદ્ધે સિંગને ઇટવાથી બોલાવેલ હતા અને તેના બનેવીએ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુધીર ઉર્ફે ફોજી અને લખનને લઈ ને આવ્યો હતો. સાથો સાથ રાજવીર સિંહે પોતાના સાળા દિપક પરિહાર ને મુંબઈ થી બોલાવેલ અને જેને પોતાના મિત્ર અજય મરાઠા ને લઈને આવ્યો હતો. આ લોકોએ પેહલા કૃષ્ણનગર લૂંટ માટે એક બાઈકની ચોરી કરી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ રકમ પુરીના હોવાથી બીજી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પેહલા જે દુકાનમાં લૂંટ થઈ તે દુકાનમાંથી રાજવીર પરિચિંત હતો. ત્યાર બાદ બીજી બાઈક ચોરી કરી તમામ આરોપીઓ એક બીજા સાથે મળી સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સુધીર હથિયાર લઈને આવ્યો હતો અને આ લોકો જે રીક્ષામાં રેકી અને લૂંટ કરી તેને રાતો રાત બદલી નાખી હતી. જેથી કોઈ ઓળખી ના શકે. નોંધનીય છે કે, ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગુજરાત છોડી ને જતા રહ્યાં હતાં અને જેમાં લૂંટમાં મળેલ રોકડ અમદાવાદના આરોપીઓએ રાખી અને સોનાના દાગીના ઇટાવાથી આવેલા આરોપીઓ લઈને જતા રહ્યાં. હાલ ૩ આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલી રહી છે. સાથો સાથ એ પણ સામે આવ્યું છે કે સુધીર સામે અનેક ગુનાઓ દાખલ છે જેમા પણ તે વોન્ટેડ છે.

(8:40 pm IST)