Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગુજકોસ્ટમાં સાત પ્રકારના રોબોર્ટનો સમાવેશ કરાયો

રાજ્યના ટેક્નો-સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત થશે : સ્પર્ધામાં લેવલ-૧ ઉપર વિજેતા થનાર ટીમને ૫૦ હજાર, લેવલ-૨માં ૧ થી ૨ લાખનો પુરસ્કાર આપવામાં આવશે

અમદાવાદ,તા.૬ :  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીને  પ્રોત્સાહન આપવા જનજાગૃતિ અને શિક્ષણ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના ટેક્નો-સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજકોસ્ટે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનિયરીંગ અને મેથેમેટિક્સ વિદ્યાર્થીઓ માટે રોબોફેસ્ટ-ગુજરાત ૨.૦ સ્પર્ધાની જાહેરાત કરી છે. આ માટે યુવાઓ પોતાના અરજી ફોર્મ તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી ગુજકોસ્ટમાં સબમિટ કરી શકશે. ગુજકોસ્ટ દ્વારા આ સ્પર્ધા અંતર્ગત વિવિધ સાત પ્રકારના રોબોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

        જેમાં (૧) ચાર પગવાળું રોબોર્ટ ચતુર્ભુજ ગતિ (૨) સબમરીન અથવા પાણી રોબોર્ટ (૩) રોવર્સ (આઠ વ્હીલ્સ,  ૩ થી ૪ ફ્રી સાઇઝ કેમેરાવાળા, ઓટો મેમરી/જીપીએસ માર્ગદર્શિત (૪) રીમોટ સેન્સરવાળા પ્રોસ્થેટિક અંગો (૫) વળાંક લેવા સક્ષમ પાઇપ ક્લાઇમ્બીંગ રોબોટ્સ (૬) ઘૂંટણ/હિપ્સના સમર્થન માટે પાવર એક્ઝોસ્લેટોન અને (૭) માઇક્રો રોબોટ્સ (૬ સે.મી. અથવા નીચે) સહિતના વિવિધ સાત પ્રકારના રોબોર્ટ્સની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

          રોબોફેસ્ટ-ગુજરાત ૨.૦ સ્પર્ધા એ ત્રણ સ્તરની સ્પર્ધા છે. રસ ધરાવનારા વિદ્યાર્થીઓ સાત કેટેગરીમાંથી કોઈ પણ કેટેગરીમાં સ્તર-૧ની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં લેવલ-૧ ઉપર વિજેતા થનાર ટીમને રૂ. ૫૦ હજાર, લેવલ-૨માં રૂ. ૧ થી ૨ લાખ અને લેવલ-૩માં રૂ. ૫ લાખનો પુરસ્કાર આપવામાં આવશે. રોબર્ટ બનાવવાની આ ખૂબ જ સારી પ્રક્રિયા છે જે રાજ્યના વિદ્યાર્થીઓમાં નવા સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગ સાહસિકતાના સંદર્ભમાં એક મોટુ પ્લેટફોર્મ પુરૂ પાડશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ ગુજકોસ્ટની વેબસાઇટ ઉપરથી વધુ વિગતો તથા માર્ગદર્શન મેળવી શકશે અને અરજી ફોર્મ તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી ગુજકોસ્ટમાં સબમિટ કરી શકાશે તેમ ગુજકોસ્ટની યાદીમાં જણાવાયું છે.

(8:39 pm IST)