Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર ને કચ્છમાં કોલ્ડવેવ આગાહી

ઠંડા પવનોને લીધે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ : સમગ્ર ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને પરિણામે હાડ થીજવતી ઠંડી, કાશ્મીરમાં બર્ફીલા તોફાનનું એલર્ટ

અમદાવાદ, તા. ૬ : ઠંડા પવનોને લીધે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ આગામી બે દિવસ કાતિલ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જ્યારે કાશ્મીરમાં બર્ફીલા તોફાનનું એલર્ટ અપાયું છે. કાશ્મીરમાં હિમવર્ષાને લીધે વિઝિબિલિટી ઘટતાં ઘણી ફ્લાઇટો રદ કરાઇ હતી.

૭.૮ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. જ્યારે બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ અને રાજ્યના શહેરોમાં આગામી બે દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિંવત છે.

બીજી બાજુ, હિમવર્ષા અને વરસાદને લીધે ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી રહી છે. કાશ્મીરમાં પણ આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદ અથવા તો હિમવર્ષા થવાનું અનુમાન છે.

મંગળવારે કાશ્મીરમાં ભારે વરસાદ પડ્યો તો રાજસ્થાનમાં બરફના કરા પડ્યા હતા. સતત પાંચમા દિવસે જયપુર, ચૂરુ, શ્રીગંગાનગર, અલવર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા.

હિમવર્ષાને લીધેને લીધે લોકોની મુશ્કેલી વધી રહી છે. શિમલામાં એની ખાસ અસર જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં શિમલાનું તાપમાન ૭.૫ ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આજે પણ મોસમ ખરાબ રહેશે અને બરફના વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. પર્યટન સ્થળ કુફરી અને નારકંડામાં ટ્રાન્સપોર્ટ બંધ થયું છે. ૩ નેશનલ હાઈવે સહિત ૩૭૭ રસ્તા પર અવર-જવર બંધ થઈ ગઈ છે. પર્યટકોના સોલંગનાલાથી આગળ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(8:34 pm IST)