Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરતમાં નશાના રવાડે ચઢેલા ચાર સગીરોને ઝડપી લેવાયા

સગીરો ફૂટપાથ પર નશો કરતા હતા : સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની મહિલા ટીમે બાળકોને ઝડપી લઈને બાળ સુધારગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી

સુરત, તા. ૬  :નશાના રવાડે ચડી ગયેલા ચાર સગીરોને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની મહિલા ટીમે ઝડપી લઈને બાળ સુધારગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. સગીરો સ્પિરિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરતા હતાં. પકડાયેલા સગીર બાળકોમાંથી બે સગા ભાઈઓ છે.

શહેરના સોની ફળિયા ખાતે ફૂટપાથ પર રહેતા ચાર સગીર બાળકો સ્પિરિટ અને સીન્થેટીક એડહેસીવ સોલ્યુશન (જેમાં પોલિવિનાઇલ આલ્કોહોલ, પોલિવિનાઇલ એસિટેટ, ફોર્માલ્ડિહાઇડ, મિથિલ ઇથર વિગેરેના મિશ્રણ હોય છે) વડે નશો કરતા જોવા મળ્યા છે. જેમાં બે સગાભાઈઓના પરિવારમાં કોઈનથી, મા-બાપના મોત થયા હોવાથી ફૂટપાથ પર રહે છે અને બાકીના સગીર બાળકો પણ ફૂટપાથપર જ રહે છે. દરેક બાળકની પોતાની અલગ કહાનીછે. કોઈને પિતા મારતા હતા તેથી ઘર છોડીને ફૂટપાથ પરરહે છે તો કોઈ બાળક અપંગમાતાને છોડીને અહીં રહેવા આવી ગયો છે. તેઓ ભીખ માંગવાનું કામ કરે છે અને તે પૈસાથી નશો કરતા હતા. માત્ર એક બાળક ધોડો ચલાવવાની નોકરી કરે છે.

અઠવા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી આ પ્રવૃતિ પર તત્કાળ રોક આવે તે અંત્યત જરૂરી છે કેમકે આવા તો અનેક બાળકો હશે જે એકબીજાને જોઈને નશાના રવાડા ચડી ગયા હશે. શહેરના યુવાધનની સાથે સાથે બાળકો પણ ખોટા રસ્તે જઈ રહ્યાં છે, ત્યારે પોલીસની સાથે સાથે સમાજની જવાબદારી પણ વધી ગઈ છે.

(7:48 pm IST)