Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો અપનાવશે માર્ગ

સુરત ખાતે પૂજયપાદ આચાર્ય ભગવંત તપોરત્નસુરીશ્વરજી મહારાજાની નિશ્રામા દિક્ષા અંગીકાર કરશે

બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલ ડાયમંડનાં મોટા વેપારીની દિકરી સહિત પત્ની અને સાસુમા આગામી ૨૨ મે નાં રોજ સુરત ખાતે દિક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે.

 બનાસકાંઠા જીલ્લાનાં ધાનેરાનાં વતની અને છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતનાં સમયથી હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવીની ઓફીસનું સંચાલન કરતા ભરતભાઇ ગીરધરલાલ મહેતા (શાહ) ની દિકરી પરીશી મહેતાએ હોંગકોંગ ખાતે સાયકોલોજીમાં ડીગ્રી મેળવી છે. પરીશી ત્રણ વર્ષ અગાઉ ભારત આવી હતી. જે દરમ્યાન નાની મા ઇન્દુબેન શાહ સાથે દેરાસર જતાં જ પરીશીને જૈન સાધ્વીઓ સાથે સમય પસાર કરવાની ઇચ્છા થતાં તે જૈન સાધ્વીઓ સાથે જ રહેતી હતી. જયારે હેતલબેને પણ દિકરી પરીશી અને પુત્ર જૈનમનાં લગ્ન બાદ દિક્ષા લેવાનું નક્કી કર્યું હતું પરંતુ તે અગાઉ પરીશીએ જ દિક્ષાનુ મુહૂર્ત કઢાવ્યા વગર હોગકોગ ન જવાની જીદ પકડી હતી. આથી પરીશી મહેતાની સાથે સાથે હેતલબેન મહેતા (મમ્મી) અને ઇન્દુબેન શાહ (નાની) એ પણ દિક્ષા લેવાનું નક્કી કર્યુ છે. જેથી આગામી તા. ૨૨ મે ૨૦૨૧ ને વૈશાખ સુદ-૧૦ નાં રોજ સુરત ખાતે પૂજયપાદ આચાર્ય ભગવંત તપોરત્નસુરીશ્વરજી મહારાજા ની નિશ્રામા દિક્ષા અંગીકાર કરશે અને ગુરૂજી સાધ્વી હિતદર્શનીશ્રીજી બનશે.

આ અંગે ગીરીશભાઇ શાહે જણાવ્યું હતું કે, “પરીશી છેલ્લાં ત્રણ વર્ષથી ભારતમાં રહીને જૈન સાધવીઓ જેવું જીવન જીવવાની શરૂઆત કરી હતી અને દિક્ષાનુ મુહૂર્ત કઢાવ્યા વગર હોગકોગ પરત ન જવાની જીદ કરી હતી. જેથી પરીશી સાથે તેની મમ્મી અને નાની પણ સંયમનો માર્ગ અપનાવશે.”

(7:42 pm IST)