Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વલસાડ જિલ્લાના ગુનેગારોને જૈર કરતા લોક મસિહા વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલા

ડીએસપીની વ્યુહરચના અને માર્ગદર્શનના પગલે ચોર લુંટારૂઓ પકડાયા, બુટલેગરો બકરી બની ગયા, દેહવેપાર બંધ થઇ ગયો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં ગુનાખોરીને ડામવા ડીએસપી રાજદિપસિંહ ઝાલાની ઇચ્છા શક્તિ કારગર નિવડી રહી છે. તેમણે વલસાડ જિલ્લામાં ચાર્જ સંભાળ્યા બાદ ચોરી લૂંટ અને હત્યાના અનેક ગુનાઓ ઉકેલાઇ ગયા છે. તેમના દારૂ પ્રત્યેના કકડ વલણના પગલે શહેર જ નહી, જિલ્લામાં દારૂ શોધવો મુશ્કેલ બની ગયો છે. તેમજ ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સાથે નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાની ફરિયાદ માટે નિડરતાથી આગળ આવતા થયા છે. એટલે જ વલસાડ ડીએસપી જિલ્લાના લોક મસિહા બન્યા છે.

   વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક લૂંટના બનાવો બની રહ્યા હતા. ડીએસપી રાજદિપસિંહ ઝાલાના આવ્યા બાદ પણ લૂંટના બે બનાવો બનતાં તેમણે પોતાની વ્યુહરચનાથી આ ગુનાઓ ઉકેલી કાઢી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એક પછી એક લૂંટના ગુનાઓ ઉકેલતા લૂંટારૂઓ પણ હવે વલસાડ જિલ્લામાં લૂંટ કરતા અટક્યા છે.    

   ત્યારબાદ તેમણે ચોરીના પણ અનેક ગુનાઓ ઉકેલતાં જિલ્લામાં ઘરફોડ ચોરીઓ પણ બંધ થઇ ગઇ છે. તેમજ જિલ્લામાં ધમધમતી દારૂની હાટડીઓ પર તેમણે પોતાની પોલીસ પાસે રોજ બરોજ અઢળક કેસ કરાવી દારૂનું વેચાણ બંધ કરાવ્યું છે. જેને લઇ આજે જિલ્લામાં દારૂ શોધવો મુશ્કેલ બન્યો છે.

   એક તરફ ગુનેગારો પ્રત્યે કડક વલણ દાખવતા રાજદિપસિંહ તેમની પાસે ફરિયાદ લઇને આવતા અરજદારો પ્રત્યે ખુબ જ સરળ વલણ દાખવી રહ્યા છે. અરજદારની ફરિયાદો શાંતિ પૂર્વક સાંભળી તેમની સમસ્યાનો સત્વરે નિકાલ કરે છે. કોઇની સગીર વયની પુત્રી ખોવાઇ હોય તો તેઓ પોતાની ટીમને કલકત્તા સુધી મોકલી પુત્રીને શોધી આપે છે. આવી અનેક ઘટનાઓથી તેઓ લોકોના હ્રદય સમ્રાટ બની ગયા છે.

  અરજદાર ગરીબ હોય કે પૈસાદાર તેમનું વલણ હંમેશા સરખું રહ્યું છે.  તેઓ લોક સેવા માટે પણ સતત વિચારશીલ રહ્યા છે. ગરીબ બાળકો માટે ડીએસપી રાજદિપસિંહ ઝાલા સતત ચિંતાતૂર બન્યા છે. દિવાળી પર ગરીબ અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે ફટાકડા ફોડી તેમને મિઠાઇ ખવડાવવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. તેમજ તેમણે પોતાના તાબાના અધિકારીઓને પણ ગરીબ બાળકોને મિઠાઇ અને ફટાકડા વેંચવાનું કહ્યું હતુ.

  થોડા દિવસ અગાઉ પારડીથી ઘાયલ હાલતમાં એક બાળકી મળી આવી હતી. આ બાળકીને વાપીમાં સારામાં સારી ટ્રીટમેન્ટ અપાવવાનું કાર્ય પણ તેમણે કર્યું હતુ. બાળકીને દાખલ કરવાની સૂચના જ નહી, તેઓ સતત તેને જોવા પણ હોસ્પિટલમાં જતા હતા. તેમના આ સ્વભાવે તેમને જિલ્લાના લોકોના હ્રદય સમ્રાટ બનાવી દીધા છે.

(7:22 pm IST)