Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમદાવાદમાં હિન્‍દી ફિલ્‍મ ‘ધુમ' સ્‍ટાઇલને પણ ચક્કર મારે તેવી રીતે પાયલ જ્‍વેલર્સમાંથી 45 લાખના ઘરેણાની ચોરીઃ શો રૂમની ચાવી ચોરીને ચોરીને અંજામ આપ્‍યો

અમદાવાદ: હિન્દી ફિલ્મ ધૂમના પ્લોટને પણ ટક્કર મારે તેવી તરકીબથી ચોરી કરનાર ચોરના ભેજાની કરામત જોઈ પોલીસ પણ દંગ થઈ ગઈ છે. પોલીસને પણ અચરજમાં મૂકતી ચોરીની આ ઘટના ન્યૂ રાણીપના માણકી સર્કલ નજીક આકાશ રેસિડન્સીમાં આવેલ પાયલ જ્વેલર્સના શૉ રૂમમાં બની હતી. જેમાં ચોર શૉ-રૂમમાંથી રૂ.45 લાખના 893 ગ્રામ સોનાના દાગીના ચોરી રફૂચક્કર થઈ ગયો હતો.

આ ગુનામાં ચોરે ચાલાકી વાપરી શૉ રૂમ બંધ કરી મંગળવારે 1 વાગ્યે ઘરે જવા નીકળેલા જ્વેલર્સનો નારણપુરાના ઘર સુધી પીછો કર્યો હતો. જ્વેલર્સ ઘર પાસે વાહન પાર્ક કરી ઘરમાં ગયા, ત્યારે ચોરે તેમના સ્કૂટરની ડેકીમાંથી શો રૂમની ચાવી ચોરી લીધી હતી. જે બાદમાં ચાવી લઈ આરોપી ન્યૂ રાણીપ ખાતે પાયલ જ્વેલર્સ પર પહોંચ્યો અને અસલ ચાવીથી શો રૂમ ખોલી દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો.

આ બનાવની વિગત મુજબ, નારણપુરાના અંકુર ખાતે હરી પાર્ક સોસાયટીમાં રહેતાં જીતેન્દ્રભાઈ કનૈયાલાલ સોની (ઉં,51) ન્યૂ રાણીપ ખાતે આકાશ રેસિડન્સીમાં પાયલ જ્વેલર્સના નામે સોના-ચાંદીનો શૉ રૂમ ધરાવે છે. જીતેન્દ્રભાઈનો શોરૂમ સવારે 10.30 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહે બપોરે 1 થી 3 તેઓ ઘરે જમવા જતા હોય શો રૂમ બંધ હોય છે.

મંગળવારે નિયત સમયે તેઓ શો રૂમ પર આવ્યા અને બપોરે 1 વાગ્યે જાતે શો રૂમ બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. તેઓ કડી નાગરિક બેંકમાં કામથી ગયા બાદ રાણીપ અરવિંદ બુચ સોસાયટી ખાતે તેમના ભાઈ જયેશભાઈના પાયલ જ્વેલર્સ શો રૂમમાં ચાંદીના કંદોરા આપીને સ્કૂટરની ડેકીમાં પોતાના શૉ રૂમની ચાવીઓ સાથેનું પર્સ મૂકી ઘરે આવવા માટે નીકળ્યા હતા.

અંકુર હરિપાર્ક સોસાયટીમાં આવેલા ઘર પાસે જીતેન્દ્રભાઈ સ્કુટર પાર્ક કરી ઘરે જમવા માટે ગયા હતા. બપોરે 3.15 વાગ્યે તેઓ સ્કૂટર લઈ ઘરેથી નીકળ્યા અને શૉ રૂમ પર પહોંચ્યા હતા. જીતેન્દ્રભાઈએ સ્કૂટર પાર્ક કરતાં તેમના શૉ-રૂમનો દરવાજો ખુલ્લો જોઈ ચોંક્યા હતા. જીતેન્દ્રભાઈએ શૉ રૂમમાં જઈ જોયું તો કબાટમાં અને ટ્રેમાં મૂકેલા દાગીનાના બોક્સ ખુલ્લા અને વેરવિખેર પડ્યા હતા. દાગીના જોવા મળ્યા ન હતા.

આ બનાવ અંગે જીતેન્દ્રભાઈએ તેમના નાનાભાઈ જયેશભાઈને જાણ કરી સ્થળ પર બોલાવી લીધા હતા. જે ચોરીના બનાવની જાણ પોલીસને કરાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા CCTV ચેક કર્યા હતા. જેમાં શૉ રૂમમાં જીન્સ પેન્ટ, હાફ બાયની ટી શર્ટ પહેરેલો મજબૂત બાંધાનો 30 થી 35 વર્ષની ઉંમરનો પગમાં પટ્ટીવાળા સેન્ડલ પહેરેલો યુવક ચોરી કરતા દેખાયો હતો.

હાલ સાબરમતી પોલીસે ચોરી અંગે જીતેન્દ્રભાઈની ફરિયાદ આધારે રૂ. 44,64,950 ની મત્તાના 893 ગ્રામ વજનના સોનાના દાગીનાની ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.

ચોરે જીતેન્દ્રભાઈનો પીછો કરી શૉ-રૂમની ચાવી ચોરી

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ, ચોરે જીતેન્દ્રભાઈ શો રૂમ બંધ કરી ઘરે જવા નીકળ્યા ત્યારે તેમનો પીછો કર્યો હતો. જીતેન્દ્રભાઈએ ઘર પાસે વાહન પાર્ક કર્યું અને જમવા માટે અંદર ગયા હતા. આ ગાળામાં ચોરે તેમના ઈટર્નો સ્કુટરની ડેકીમાંથી શો રૂમની ચાવી ચોરી લીધી હતી. ચાવી લઈ સીધો શો રૂમ પર પહોંચ્યો અને જીતેન્દ્રભાઈ શોરૂમ પર આવે તે પહેલાં લાખોની મત્તાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.

વાહન પણ ચોરીનું નીકળ્યું

પોલીસે જીતેન્દ્રભાઈના પાયલ જ્વેલર્સ શો રૂમ અને સોસાયટીના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસને મહામહેનતે આરોપી જે વાહન લઈને આવ્યો તે બાઈકનો નંબર મળ્યો હતો. જોકે બાઈક પણ ચોરીનું હોવાની વિગત ખુલતા પોલીસ વિચારમાં પડી ગઈ હતી.

(5:36 pm IST)