Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમદાવાદના શાહપુરમાં આર્થિક મદદ કરનારે રકમ પરત માંગતા પાડોશીએ વૃદ્ધની હત્‍યા કરી નાખીઃ 13.50 લાખ પરત તો ન મળ્‍યા પરંતુ મોત મળ્‍યુ

અમદાવાદ: શાહપુરના નાગોરીવાડમાં વડવાળી પોળમાં મંગળવારે સાંજે પડોશીએ રૂ.13 લાખની આર્થિક મદદ કરનાર મદદગારને પૈસા પરત કરવાની જગ્યાએ મારમારી મોત આપ્યું હતું. હાલ શાહપુર પોલીસે 3 મહિલા સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, પડોશીને મૃતક વૃદ્ધે રૂ.13.50 લાખની રોકડ રકમ ઉપરાંત પત્નીના દાગીના ગીરવે મૂકી આર્થિક મદદ કરી હતી. જે રકમ પરત માંગતા આરોપી પડોશીએ પોતાના પરિવાર સાથે મળી વૃદ્ધને મારમારી તેમની હત્યા કરી નાંખી હતી.

શાહપુર નાગોરીવાડમાં રહેતાં ટોરેન્ટ પાવરના નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણીયાને તેમની પડોશમાં રહેતાં મનુભાઈ ભજનભાઈ કાપડિયા સાથે ઘરોબો હતો. બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેઓએ અશ્વિનભાઈ પાસે રૂ.25 લાખની આર્થિક મદદ માંગી હતી. જેથી અશ્વિનભાઈએ રૂ.13.50 લાખની રોકડ રકમ આપી મનુભાઈને મદદ કરી હતી.

મનુભાઈએ ફરી રકમ માંગતા અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવે મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે, ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. મનુભાઈ એપ્રિલ-2020માં નિવૃત્ત થવાના હોવાથી અશ્વિનભાઈએ માર્ચ-2020માં મનુભાઈને પૈસા પરત ચૂકવવાની જાણ કરી હતી.

મનુભાઈને નિવૃત્ત થયે 9 મહિના વીતી ગયા છતાં પણ તેઓએ પૈસા પરત કર્યા ન હતા. મંગળવારે સવારે 7.30 વાગ્યે પોતાના ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમના પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઉભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોય રકમ પરત માંગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈએ ઘરે બોલાવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયા હતા.

આ દરમિયાન મનુભાઈ તેમની પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ પાંચે જણાએ અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેઓને તથા તેમની પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્ને જણા અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતા હતા તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા. ઈજાના કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્રો સ્થળ પર પહોંચ્યા અને તેઓને સારવાર માટે ઇમર્જન્સી એમ્બ્યુલન્સમાં ખસેડયા હતા.

જ્યાં સારવાર દરમિયાન અશ્વિનભાઈનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદના આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:35 pm IST)