Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમદાવાદમાં 2008માં થયેલ સિરીયલ બ્‍લાસ્‍ટ કેસના આરોપીઓ દ્વારા પરિવારજનો માટે જેલ મુલાકાતનો સમય વધારવાની માંગણીની અરજી સ્‍પેશ્‍યલ કોર્ટે ફગાવી દીધી

અમદાવાદઃ વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી દ્વારા પરિવારજનો માટે જેલ મુલાકાતનો સમય વધારવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી સ્પેશ્યલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે અરજદાર-આરોપી મોહંમદ શફી અન્સારીની અરજી ફગાવતા નોંધ્યું હતું કે જો કોઈ ચોક્કસ આરોપીની મુલાકાતનો સમય 20 મિનિટથી વધારીને એક કલાક જેટલો કરવામાં આવે, તો અન્ય આરોપીઓમાં અસંતોષની લાગણી ઉતપન્ન થઈ શકે છે.

કોર્ટે વધુમાં કહ્યું કે વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જેલમાં આરોપીની પારિવારિક અને વકીલની મુલાકાતની સુવિધા બંધ રાખવામાં આવી છે. તેમ છતાં જે આરોપીઓને ટેલિફોન સુવિધામાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા હાઈ-સિક્યોરિટીમાં રાખવામાં આવેલા આરોપીઓને પણ નિયમ મુજબ સપ્તાહમાં 20 મિનિટ માટે મુલાકાત આપવામાં આવે છે.

આરોપી મોહમદ શફી અન્સારીના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, તેમનો પરિવાર ઇન્દોર ખાતે રહે છે અને જાન્યુઆરી 2020માં આરોપીની જેલમાં મુલાકાત લીધી હતી. જે બાદ લૉકડાઉન કોરોના મહામારીને કારણે મુલાકાત થઈ શકી નથી. આરોપીના માતા-પિતા ગુજરી ગયા છે અને પત્ની-બાળકો સહિત પારિવારિક સમસ્યા અને કેસની ચર્ચા કરવા માટે જેલ સત્તાધીશો દ્વારા માત્ર 20 મિનિટનો સમય આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછો હોવાથી તેને વધારીને એક કલાક કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષ જુના કેસની ટ્રાયલ મર્યાદિત સમયમાં પુરી થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં પણ આ બૉમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ છે.

(5:33 pm IST)