Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શાળાઓ ખોલવાના નિર્ણયથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ ટેન્‍શન મુક્‍ત થશે અને પરીક્ષાની તૈયારીઓ પણ સારી રીતે કરી શકશેઃ રાજ્‍ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને આવકારતા ગુજરાત રાજ્‍ય ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલ

ગાંધીનગર: રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખે આવકાર્યો હતો.

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ પંકજ પટેલે કહ્યુ કે, શિક્ષણ મંત્રીએ ધોરણ 10 અને ધોરણ 12ની સ્કૂલો જાન્યુઆરીની 11 તારીખથી ખોલવાની જે જાહેરાત કરવામાં આવી છે તેને હું આવકારૂ છું. આ જાહેરાતથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ટેન્શન મુક્ત થશે. પરીક્ષાની તૈયારીઓ પણ સારી રીતે કરી શકશે. સ્કૂલના શિક્ષકો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. સ્કૂલો પણ તેમણે આવકારવા માટે તૈયાર છે. કોવિડની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થશે અને વાલીઓ વિદ્યાર્થીઓને 10-12ના પરીક્ષાના પરિણામના સારા પરિણામ માટે સ્કૂલોમાં મોકલવા તૈયાર થશે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પણ સરકારની સ્કૂલો ખોલવાની જાહેરાતને આવકારી હતી. ગુજરાત સરકારની કેબિનેટે જે નિર્ણય લીધો. 11 જાન્યુઆરીથી શાળા-કોલેજ ચાલુ કરવાની જે બાબત છે તેમાં 10-12ના વર્ગોને ફરી શરૂ કરવાના છે ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી અમે આવકારીએ છીએ. અમે માનસિક તૈયારી છે, ફિઝિકલ રીતે તૈયાર છીએ. અમારા ક્લાસરૂમ સેનેટાઇઝ થયેલા છે. બાળક શાળામાં પ્રવેશે અને ઘરે પાછો જાય તે માટેની તમામ વ્યવસ્થા અમે કરી રાખી છે. 20 ફેબ્રુઆરીથી શાળાઓ બંધ હતી અને હવે શાળા શરૂ થાય તે માટે આપણી પાસે અભ્યાસ કરાવવા માટે પુરતો સમય રહેશે. બાળકોને અભ્યાસ કરાવી પરીક્ષા લઇશુ અને તેમણે પ્રમોટ કરીશું તો તેમણે પણ એવુ થશે કે અમે પરીક્ષા પાસ કરીને ઉપર આવ્યા છીએ, ખાલી ખોટા માસ પ્રમોશન લઇને ઉપર આવ્યા નથી.

(5:32 pm IST)