Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

‘જીંદગી જીવી ગયો છું, તેથી હવે આત્‍મહત્‍યા કરૂ છું', સુરતમાં પત્‍નીનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા બાદ ઘરમાં કોરન્‍ટાઇન કરાયા બાદ એકલતા સહન ન થતા વૃદ્ધનો આપઘાત

સુરત: વૃદ્ધત્વમાં એકલતા વધુ અનુભવાય છે. અનેક લોકો એકલતા સહન કરી શક્તા નથી, જેમાં તેઓ ન કરવાનું કરી બેસે છે. ત્યારે સુરતમાં 75 વર્ષીય એક વૃદ્ધે આત્મહત્યાનું પગલુ ભર્યું છે. પત્નીનો વિયોગ સહન ન કરી શકનારા વૃદ્ધે આત્મહત્યાનું પગલુ ભરતા ચકચાર મચી ગઈ છે. સાથે તેમણે ભત્રીજાને ફોન કરીને કહ્યું હતું કે, ‘જિંદગી જીવી ગયો છું, તેથી હવે આત્મહત્યા કરું છું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં છગન કોટડિયા નામના વૃદ્ધે આત્મહત્યા કરી છે. ચાર દિવસ પહેલા તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે પરિવારમાં માત્ર બે જ સદસ્યો હોવાથી તેમની પત્નીને ભત્રીજાના ઘરે આઈસોલેટ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ પત્નીના સંપર્કમાં આવ્યા હોવાથી છગન કોટડિયા પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈનમાં હતા. ત્યારે એકલતા સહન ન કરી શકનારા છગન કોટડિયા આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. મરતા પહેલા તેઓએ પોતાના ભત્રીજાનો ફોન કર્યો હતો. તેમનો ભત્રીજો જ કાકા-કાકીની સંપૂર્ણ જવાબદારી ઉપાડતો હતો. છગનભાઈએ ભત્રીજાને ફોન કરીને કહ્યું હતું, કે હું મારી જિંદગી જીવી ગયો છું. તેથી હવે મોત અપનાવું છું.

આટલા શબ્દો કહીને તેઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વૃદ્ધત્વને આરે ઉભેલા છગનભાઈ પત્નીનો વિયોગ સહન કરી શક્યા ન હતા. તેથી આત્મહત્યાનુ પગલુ ભર્યું હતું. આ ઘટનાથી તેમના પત્ની હેબતાઈ ગયા હતા.

(5:31 pm IST)