Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

એરગન રાખવા માટે લાઈસન્સ લેવું પડે? કાયદાથી અજાણ યુવક પોલીસના હાથે ઝડપાયો

અસલ જેવી લાગતી પિસ્તોલ લઈને ફરતા માણસાના શખ્સને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો

અમદાવાદ, તા.૬: એક સમય હતો જયારે રમકડાંની દુકાનમાં પણ એરગન આસાનીથી મળી જતી હતી. ઘણા લોકો તેને કમર પર લટકાવીને વટ પણ મારતા હતા, પરંતુ એરગન લેવા માટે લાઈસન્સ જરુરી છે કે કેમ તે અંગે કદાચ ભાગ્યે જ કોઈને માહિતી હશે. આવી જ એક ઘટનામાં .૨૨ કેલિબરની એર પિસ્તોલ ધરાવતા એક યુવકની ગાંધીનગર જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે એરગન પ્રાણીઓને ભગાડવા માટે લીધી હતી.માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અલી અહેમદ સિંધી નામના યુવકને .૨૨ કેલિબર એર પિસ્તોલ સાથે પકડવામાં આવ્યો હતો. માણસા તાલુકાના ઈટાદરા ગામના રાજીવપુરા એરિયામાં રહેતા આ શખ્સ પાસેથી મળેલી પિસ્તોલનું બેરલ ૨૩ સેન્ટીમીટર લાંબુ હતું અને તેનું લાકડાનું બટ તૂટેલું હતું.

એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, હથિયાર આરોપીએ જાતે બનાવ્યું હતું. જોકે, તેની પાસેથી કોઈ પેલેટ્સ (છરા) નથી મળ્યા. પોલીસ સૂત્રોનું માનીએ તો, સિંધી પાસે પિસ્તોલ જેવું દેખાતું હથિયાર હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે આરોપી આવતો-જતો રહેતો હતો તેવા ઈટાદરા ગામના બસ સ્ટેન્ડ પાસે પહેરો ગોઠવ્યો હતો. પોલીસે જેવો તેને જોયો કે તરત તેની ઝડતી લીધી હતી, જેમાં તેની પાસેથી એર પિસ્તોલ મળી આવી હતી.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સિંધી મજૂરી કરીને કે પ્રાણીઓનો શિકાર કરીને કમાતો હતો, અને તેને ખબર નહોતી કે .૨૨ એર પિસ્તોલ રાખવા માટે લાઈસન્સ જરુરી છે. FIRમાં પિસ્તોલની કિંમત ૫૦૦ રુપિયા બતાવાઈ છે, અને તેને વધુ તપાસ માટે FSL મોકલવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ઘ આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી એર પિસ્તોલ બનાવવાના સાધનો કયાંથી લાવ્યો તેની વિગતો હજુ જાણવાની બાકી છે.

કાયદો શું કહે છે?

અગાઉ એરગન, પિસ્તોલ તેમજ રાયફલ સરળતાથી ખરીદી શકાતી હતી. ત્યાં સુધી કે રમકડાંની દુકાન પર પણ તેનું વેચાણ થતું હતું. જોકે, ૨૦૧૬માં બનેલા કાયદા અનુસાર, તેના માટે લાઈસન્સ જરુરી છે. આતંકવાદીઓ આ ગનનો ઉપયોગ પ્રેકિટસ કરવા માટે કરતા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર એલસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરગન ધરાવનારા શખ્સ પાસે લાઈસન્સ હોવું જરુરી છે. આ કેસમાં આરોપીએ જાતે એર પિસ્તોલ બનાવી હોવાની માહિતી છે, પરંતુ આવા કેસમાં પણ લાઈસન્સ જરુરી છે. પોલીસને એવી પણ શંકા છે કે આરોપી પોતાની પાસે રહેલા હથિયારનો ઉપયોગ બીજા લોકોને ડરાવવા માટે પણ કરતો હોઈ શકે.

(4:04 pm IST)