Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બર્ડ ફલુ સામે સાવચેતીઃ શહેર જીલ્લાનાં મરઘા ઉછેર કેન્દ્રોમાં સર્વેનાં આદેશો

રાજયનાં આરોગ્ય વિભાગ દ્વારા બર્ડ ફલુ અટકાયત પગલા માટે જીલ્લા અને મ. ન. પા.નાં આરોગ્ય વિભાગને કામગીરી સુપ્રત

રાજકોટ તા. ૬ :.. દેશના પાંચથી ૬ રાજયોમાં બર્ડ ફલુનાં કેસ જોવ મળતાં ગુજરાત સરકારે સાવચેતીનાં પગલા રૂપે રાજયનાં શહેર - જીલ્લા આરોગ્ય તંત્રને મરઘા ઉછેર કેન્દ્રોમાં બર્ડ ફલુ અંગે સર્વે કરવા આદેશો જારી કર્યા છે.

આ અંગે આરોગ્ય વિભાગે જારી કરેલા આદેશોમાં જણાવ્યું છે કે પાડોશી રાજય રાજસ્થાનમાં ગત દિવસોમાં પક્ષીઓનાં અચાનક મૃત્યુ થવાના કિસ્સાઓ નોંધાયેલ છે. તેમજ એક જિલ્લામાં પક્ષીઓમાં બર્ડ ફલુ રોગ જોવા મળેલ છે. આ રોગની ગંભીરતા જોતા ગુજરાત રાજયમાં પણ સાવચેતીના પગલા લેવા અત્યંત જરૂરી બને છે.

આથી જિલ્લાઓમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી ધરાવતા વિસ્તારોમાં મરઘાના મૃત્યુ અંગે નિયમિત સર્વેક્ષણ કરાવવું આ ઉપરાંત જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમં પક્ષીઓમાં અસામાન્ય કે સામુહિક મરણના કિસ્સા નોંધાયેલા હોય તો ફોરેસ્ટ વિભાગ સાથે મળી સર્વેક્ષણની કામગીરી કરવી.

જિલ્લામાં આવેલ તમામ પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી ધરાવતા વિસ્તારોમાં મરઘામાં સામુહીક મરણના કિસ્સા નોંધાય તો પોલ્ટ્રીમાં કામ કરતા મજૂરોના તેમજ બેકયાર્ડ પોલ્ટ્રી ધરાવતા વ્યકિતઓના કુટુંબીજનોમાં તથા સામાન્ય જનસમુદાયમાં ઇન્ફલુએન્ઝાના શંકાસ્પદ ચિહ્નો જેવા કે તાવ, માથાનો દુઃખાવો, શરીરનો દુઃખાવો, પિંડીમાં કળતર, નાક ગળવું. શરદી-ખાંસી, પાણી જેવા ઝાડા આંખો આવવી વિગેરે  બાબતો અંગે સર્વેક્ષણ ઘનિષ્ટ બનાવવું.

જો પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રીમાં મરણ થયેલા મરઘાના મોકલાવેલ અવયવોના સેમ્પલનું નિદાન ભોપાલ હાઇ સિકયુરીટી એનીમલ ડીસીઝ લેબોરેટરીંમાં બર્ડ ફલુ માટે પોઝીટીવ આવે તો પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પક્ષીઓમાં  તેમજ માનવ સમુદાયમાં ઇન્ફલુએન્ઝા રોગનું  સતત અને સઘન સર્વેક્ષણ કરવું. રોગગ્રસ્ત વિસ્તારની આજુબાજુના ૧૦ કિ.મી. ના વિસ્તારને સતર્ક વિસ્તાર તરીકે જાહેર કરવો.

ચેપગ્રસ્ત વિસ્તારના ત્રણ કિ. મી. થી દસ કિ. મી.ની ત્રિજયામાં આવતા ગામોને રોગ સર્વેક્ષણ વિસ્તાર તરીકે જાહેર કરવો. અને મરઘા અને તેના ઉત્પાદોની હેરફેર પર ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં સંપૂર્ણ પ્રતિબંધ મુકવો અને તેના માટે ચેક-પોસ્ટ ઉભી કરવી.

ફાર્મ ખાતે પશુ ચિકિત્સક કે અન્ય સ્ટાફ મુલાકાત લે તે સમયે વાહન ફાર્મથી પ૦૦ મીટરના અંતરે દુર રાખવા.

મરણ પામેલ પક્ષીના સંપર્કમાં આવેલ. કલિંગની કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ તથા રેપીડ રિસ્પોન્સ ટીમ અને અન્ય શંકાસ્પદ વ્યકિતઓને તાત્કાલીક ટેમીફલુ ચાલુ કરવી. જિલ્લામાં  ટેમીફલુ, પ્રોટેકટીવ કીટ, માસ્ક વિગેરેનો જથ્થો પુરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવો.

આમ સંભવીત બર્ડ ફલુના અટકાવ અને નિયંત્રણ માટે વિવિધ વિભાગો જેવા કે પશુપાલન આરોગ્ય અને તબીબી, મહેસુલ, ફોરેસ્ટ, કાયદો અને વ્યવસ્થા જેવા તમામ વિભાગોનું આંતરવિભાગીય સંકલન ગોઠવવા સહિતની સુચનાઓ અપાઇ છે.

(3:10 pm IST)