Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મરઘાના સામુહિક મોતનો રિપોર્ટ પોઝિટિવ તો કેન્દ્ર આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારમાં બર્ડ ફલુ એલર્ટ

જિલ્લા તંત્રને સાબદા કરતી સરકાર : પોલ્ટ્રી ફાર્મના મજુરોનો સર્વે

રાજકોટ તા. ૬ : રાજય સરકારે બર્ડ ફલુની સંભાવનાના પગલે પૂર્વ સાવચેતીના પગલા શરૂ કર્યા છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક (જાહેર આરોગ્ય) ડો. દિનકર રાવલે શંકાસ્પદ બર્ડ ફલુના અટકાયતી પગલા અંગે તમામ જિલ્લા અને મહાનગરોના આરોગ્ય તંત્ર જોગ માર્ગદર્શક પરિપત્ર પાઠવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, દરેક જિલ્લામાં પોલ્ટ્રી ફાર્મ અને બેક યાર્ડ પોલ્ટ્રી ધરાવતા વિસ્તારોમાં મરઘાના મૃત્યુ અંગે નિયમિત સર્વેક્ષણ કરાવવું. પોલ્ટ્રી ફાર્મ વિસ્તારમાં મરઘાના સામુહિક મોત થયા હોય તો ત્યાં પોલ્ટ્રીમાં કામ કરતા મજુરોના તેમજ સંપર્કમાં આવેલા લોકોનો સર્વે કરાવવો. કોઇને તાવ, માથાનો દુઃખાવો, શરીરનો દુઃખાવો, શરદી - ખાંસી, નાક ગળવુ, પાણી જેવા ઝાડા વગેરે બાબતો અંગે તપાસ કરાવવી. મરણ પામેલા મરઘાના સેમ્પલનો રીપોર્ટ પોઝિટિવ આવે તો સઘન સર્વેૅાણ કરવું. રોગગ્રસ્ત વિસ્તારની આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારને સતર્ક વિસ્તાર તરીકે જાહેર કરવો. પોલ્ટ્રી ફાર્મના તમામ પક્ષીઓના રેકોર્ડ વ્યવસ્થિત રીતે નિભાવવા. રોગચાળાનું ચોક્કસ નિદાન થયા પછી પોલ્ટ્રી ફાર્મ વિસ્તારને ચેપગ્રસ્ત જાહેર કરવો. આસપાસના વિસ્તારોમાં સર્વે કરાવવો. ફાર્મના સ્ટાફ અને મુલાકાતીઓના વાહન ફાર્મથી ૫૦૦ મીટર દૂર રાખવા. બર્ડ ફલુ અંગેની માહિતી આરોગ્ય વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

(3:02 pm IST)